<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગુજરાત ભાજપમાં નવો સરપ્રાઇઝ! : પ્રદેશ અધ્યક્ષ પદ માટે મોદી-શાહની જોડી ફરી ચમત્કાર કરશે?

ભાજપનાં રાજકીય પ્રયોગશાળા મનાતા ગુજરાતમાં નામની ચર્ચાએ ગરમાવ્યું વાતાવરણ : સી.આર. પાટીલના ઉત્તરાધિકારી કોણ?

નવી દિલ્હી: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદ માટે નામની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ગરમાહટ લાવી છે. હાલના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સતત બદલાવના સંકેતો આપી રહ્યા છે, ત્યારે સવાલ ઊભો થયો છે કે હવે કોણ? જોકે, ગુજરાતના રાજકારણમાં ભાજપ હાઈકમાન્ડનો ઇતિહાસ જોતા આ સવાલનો જવાબ અનુમાન લગાવવો મુશ્કેલ છે. રાજકીય પ્રયોગશાળા તરીકે ઓળખાતા ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જોડી દરેક વખતે સરપ્રાઇઝ આપતી રહી છે, અને આ વખતે પણ પ્રદેશ અધ્યક્ષની પસંદગીમાં એક નવું નામ સામે આવે તેવી પૂરી સંભાવના છે.

ગુજરાતમાં મોદી-શાહના સફળ પ્રયોગો:
ગુજરાતમાં ભાજપ 1995થી સત્તામાં છે અને આ લાંબી સફરમાં મોદી-શાહની ચાણક્ય નીતિએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ બંને નેતાઓએ ગુજરાતને રાજકીય પ્રયોગોનું કેન્દ્ર બનાવી અનેક નવતર પગલાં લીધાં છે. મુખ્યમંત્રીની પસંદગી હોય કે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક, દરેક વખતે આ જોડીએ અણધાર્યા નામો સામે લાવીને રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્યમાં મૂક્યા છે. ગુજરાતમાં સરકારનું સમગ્ર માળખું બદલવાથી લઈને લોકસભા - રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી સુધી, મોદી-શાહે મહદઅંશે “નો રિપીટ થિયરી”નો અમલ કર્યો છે, જેના પરિણામે અચાનક નવા ચહેરાઓ સામે આવ્યા છે.

ભૂતકાળના સરપ્રાઇઝ પર એક નજર:

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાજપના કેટલાક મોટા સરપ્રાઇઝ નોંધપાત્ર છે:

1. 2001માં નરેન્દ્રભાઈની એન્ટ્રી : વર્ષ 2001માં નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, જે તે સમયે એક અણધાર્યો નિર્ણય હતો. 2014માં તેઓ વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલની પસંદગી પણ ચોંકાવનારી હતી.

2. વિજયભાઈની નિમણૂક : પ્રદેશ અધ્યક્ષ તરીકે વિજયભાઈ રૂપાણીનું નામ આવ્યું ત્યારે પણ રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ત્યારબાદ 2016માં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

3. જીતુ વાઘાણીનું આગમન : પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુભાઈ વાઘાણીની જાહેરાતે પણ સૌને નવાઈ પમાડી હતી.

4. ભૂપેન્દ્રભાઈનો ઉદય : 2021માં કોરોના સંકટ બાદ વિજયભાઈ રૂપાણીને હટાવી ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પ્રથમ વખતના ધારાસભ્યને આ પદ મળવું એક મોટું સરપ્રાઇઝ હતું.

5. સમગ્ર કેબિનેટનું પરિવર્તન : 2021માં વિજયભાઈ રૂપાણી સાથે તેમની સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી, જે દેશના રાજકારણમાં ઐતિહાસિક ઘટના બની.
 
6. લોકસભા - રાજ્યસભાના ઉમેદવારો : જુગલજી ઠાકોર, હિમાંશુ જોષી, એસ. જયશંકર, જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા જેવા નામોની પસંદગીએ પણ સૌને ચોંકાવ્યા હતા.

7. સી.આર. પાટીલની નિમણૂક : જીતુ વાઘાણી બાદ સી.આર. પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવવું એ પણ અણધાર્યું પગલું મનાય છે.

આ વખતે પણ સરપ્રાઇઝની શક્યતા:
ભૂતકાળના આ સરપ્રાઇઝ પરથી સ્પષ્ટ થાય છે કે મોદી-શાહની જોડી પરંપરાગત અટકળોને નકારીને નવા ચહેરાઓને તક આપે છે. હવે જ્યારે સી.આર. પાટીલના ઉત્તરાધિકારીની ચર્ચા ચાલી રહી છે, ત્યારે રાજકીય વિશ્લેષકો અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ નામની આગાહી કરવામાં અચકાઈ રહ્યા છે. અગાઉની અટકળોને ખોટી પાડનાર આ જોડી આ વખતે પણ એક નવું અને આશ્ચર્યજનક નામ લાવે તેવી પૂરી શક્યતા છે. આ નિર્ણય પર સૌની નજર ટકેલી છે, અને ગુજરાતની રાજકીય પ્રયોગશાળામાં ફરી એકવાર નવો ઇતિહાસ રચાશે કે કેમ તે જોવું રહેશે.

 

(8:13 PM IST)