News of Wednesday, 9th April 2025
પાકિસ્તાનના પરમાણુ મિસાઇલ કાર્યક્રમ પર અમેરિકાનો વાગ્યો હથોડો, કરી મોટી કાર્યવાહી, શાહબાઝ સરકાર ધુંવાફુંવા
પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં ભૂમિકા ભજવવા બદલ સાત કંપનીઓ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ: આ કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષા અથવા વિદેશ નીતિના હિતોની વિરુદ્ધ કરી રહી છે કામ, તેમને માટે નિકાસ, પુનઃનિકાસ અને ટ્રાન્સફર માટે વધારાના લાયસન્સ બનશે જરૂરી

ઇસ્લામાબાદ : અમેરિકાએ પાકિસ્તાનના પરમાણુ મિસાઇલ કાર્યક્રમ પર મોટી કાર્યવાહી કરી છે. યુએસ બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS) એ અસુરક્ષિત પરમાણુ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ એક ડઝનથી વધુ પાકિસ્તાની કંપનીઓને તેની વોચ લિસ્ટમાં ઉમેરી છે. આ યાદીમાં સમાવિષ્ટ કંપનીઓને યુએસ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના હિતો માટે નોંધપાત્ર ખતરો માનવામાં આવે છે. આ સાથે, પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં યોગદાન આપવા બદલ 7 અન્ય કંપનીઓ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
આ પાકિસ્તાની કંપનીઓ પર કાર્યવાહી
અમેરિકાનું આ પગલું નિકાસ વહીવટી નિયમનો (EAR) માં તાજેતરના ફેરફારોને અનુસરે છે. ફેડરલ રજિસ્ટરની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે આનાથી ચીન, પાકિસ્તાન, ઈરાન, દક્ષિણ આફ્રિકા અને યુએઈની 70 કંપનીઓને અસર થશે. પરમાણુ સંબંધિત પ્રવૃત્તિઓ માટે યાદીમાં ઉમેરાયેલી પાકિસ્તાની કંપનીઓમાં બ્રિટલાઇટ એન્જિનિયરિંગ, ઇન્ટેનટેક ઇન્ટરનેશનલ, ઇન્ટ્રાલિંક ઇન્કોર્પોરેટેડ, પ્રોક માસ્ટર, રહેમાન એન્જિનિયરિંગ અને સર્વિસીસ અને અન્યનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો
વોશિંગ્ટને કહ્યું છે કે આ કંપનીઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા વિદેશ નીતિના હિતોની વિરુદ્ધ કામ કરી રહી છે. નવા પ્રતિબંધો યુએસ ટેકનોલોજીની ઉપલબ્ધતાને મર્યાદિત કરશે, જેના કારણે આ કંપનીઓને સંડોવતા દેશમાં નિકાસ, પુનઃનિકાસ અને ટ્રાન્સફર માટે વધારાના લાઇસન્સ જરૂરી બનશે.
આ સાથે, પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં ભૂમિકા ભજવવા બદલ સાત કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં બિઝનેસ કન્સર્ન, ગ્લોબલ ટ્રેડર્સ અને લિંકર્સ ઓટોમેશનનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મુખ્યત્વે ઇસ્લામાબાદ, કરાચી, લાહોર, ફૈસલાબાદ અને વાહ કેન્ટોનમેન્ટમાં સ્થિત છે.
પાકિસ્તાને કરી ટીકા
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાની ટીકા કરી છે અને તેને અયોગ્ય અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને આ કાર્યવાહીને વૈશ્વિક નિકાસ નિયંત્રણ ઉદ્દેશ્યોની વિરુદ્ધ ગણાવી. ખાને આ કાર્યવાહીને પાકિસ્તાનના સામાજિક-આર્થિક વિકાસ માટે જરૂરી ટેકનોલોજીની પહોંચમાં અવરોધ તરીકે વર્ણવી. 2021 માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના પાછા ખેંચાયા બાદ વોશિંગ્ટનના પાકિસ્તાન સાથેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
