<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ભારે કરીઃ ચોર સોનાનો દોરો ગળી ગયોઃ બહાર કાઢવા માટે પોલીસ પરાણે ખવડાવી રહી છે કેળાઃ બાથરૂમ જવા પર રાખે છે ખાસ નજર

હોસ્‍પિટલમાં આ ચોરને સારી રીતે ખાવા મળે અને તે ભાગી ન જાય તેના માટે ખાસ બે પોલીસકર્મીને તૈનાત કરવામાં આવ્‍યા

પાલક્કડ તા.૧૦: કેરળમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો તાજેતરમાં સામે આવ્‍યો છે, જ્‍યાં પાલક્કડ હોસ્‍પિટલમાં બે પોલીસકર્મીઓ ખાસ ડ્‍યૂટી સોંપવામાં આવી છે, જેથી એક ચોર પાસેથી તેણે ચોરેલું સોનું સહીસલામત પાછું મેળવી શકાય. હોસ્‍પિટલમાં આ ચોરને સારી રીતે ખાવા મળે અને તે ભાગી ન જાય તેના માટે ખાસ બે પોલીસકર્મીને તૈનાત કરવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત, આ ચોરના નિયમિત રીતે એક્‍સપરે પણ લેવામાં આવે છે. હવે તમને નવાઈ લાગશે કે એક ચોર માટે પોલીસ કેમ આટલી મહેરબાન બની રહી છે? પોલીસ કેમ ચોરને આટલો સાચવી રહી છે? પણ હકીકત જાણશો તો હસી હસીને ગોટે વળી જશો.

 હકીકતમાં જોઈએ તો, ૩૪ વર્ષના મુથપ્‍પને ચોરી કરેલો ૬ ગ્રામ સોનાનો દોરો ગળી ગયો હતો, જેને રિકવર કરવા માટે પોલીસ આ બધી મહેનત કરી રહી છે. પોલીસ છેલ્લા ૩ દિવસથી હોસ્‍પિટલમાં ચોરની આ રીતે સેવા કરી રહી છે અને ખાસ તેના ભોજન પર ધ્‍યાન આપવામાં આવે છે. બાદમાં જ્‍યારે તે શૌચ કરવા જાય તો તેના પેટમાંથી સોનાનો દોરો શૌચમાં નીકળે અને તેને રિકવર કરી શકાય.

આ કારણે, જિલ્લા હોસ્‍પિટલના વોર્ડમાં પોલીસ ટીમ તેને ખવડાવી રહી છે, ભલે તે ભૂખ્‍યો ન હોય. તેમ છતાં, તેને કેળા ખવડાવવામાં આવે છે. પોલીસકર્મીઓ તેને ખવડાવતી વખતે ખૂબ જ ધ્‍યાન રાખી રહી છે.

મુથપ્‍પન આમ તો તમિલનાડુના મદુરાઈનો રહેવાસી છે. તેણે રવિવારે રાત્રે ૯ વાગ્‍યે અલથુર નજીક મેલારકોડે ખાતે એક મંદિરના ઉત્‍સવ દરમિયાન ચિત્તુરના વિનોદની ત્રણ વર્ષીય દીકરી નક્ષત્રાના ગળામાંથી સોનાનો દોરો છીનવી લીધો હતો. બાળકીની દાદીએ ચીસો પાડતા સ્‍થાનિક લોકોએ તેને પકડી લીધો. ચોરને પકડી લીધા બાદ તેની તલાશી લીધી પણ હાર મળ્‍યો નહીં. પોલીસે તેને કસ્‍ટડીમાં લીધો અને જિલ્લા હોસ્‍પિટલમાં એક્‍સ-રે તપાસમાં હાર તેના પેટમાં હોવાનું સામે આવ્‍યું હતું.

બાદમાં તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો અને આ હાર પાછો લેવા માટે તેને દવા આપવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે હાર થોડા દિવસોમાં બહાર આવશે અને ત્‍યાં સુધી પોલીસ તેમની ખાસ તેના પર નજર રાખી રહી છે. જ્‍યાં સુધી સોનાનો દોરો હાથમાં ન આવે ત્‍યાં સુધી પોલીસ તેની પર ખાસ નજર રાખી રહી છે.(૩૮.૬)

(10:16 AM IST)