<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

‘એક દીકરો સપામાં અને બીજો ભાજપમાં અને બાપ કોંગ્રેસનો શહેર પ્રમુખ'

AICCના મંચ પર કોંગ્રેસ નેતાની વેદના

કાનપુર  તા.૧૦: ગુજરાતમાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધિવેશનના  બીજા દિવસે પ્રસ્‍તાવ પર ચર્ચા દરમિયાન AICC સભ્‍યોએ જાહેર મંચ પર પાર્ટીની ખામીઓ પર વાત કરી અને પોતાનો પક્ષ મૂકયો. ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્‍તિ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીએ એક એવો શહેર પ્રમુખ બનાવ્‍યો, જેનો એક દીકરો સપામાં છે અને બીજો ભાજપમાં કામ કરે છે. તેઓ મંચ ઉપરથી ગરજી રહ્યા હતા, ત્‍યારે પાર્ટી હાઇકમાન્‍ડે પણ તાળીઓથી તેમની વાતને વધાવી હતી.

કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ કહ્યું કે, એક કાર્યકર્તા જે ૧૯૮૨થી કોંગ્રેસમાં છે તે આજે કોંગ્રેસને અપીલ કરે છે, આપણે ભાજપ સાથે પછી લડીએ છીએ, પહેલાં કોંગ્રેસી અંદરોઅંદર લડે છે. એકવાર નક્કી કરી લો કે, કોઈપણ નિર્ણય જે ઉપરથી નક્કી થશે, તેને આપણે સહર્ષ સ્‍વીકારીશું. ત્‍યાં સુધી એકબીજા સાથે નહીં લડીએ, જ્‍યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સત્તામાં ન લાવી દઈએ. આપણે પાર્ટીને સત્તામાં લાવીને જ જંપીશું.

આલોક મિશ્રાએ આગળ કહ્યું કે, રાહુલજી અને ખડગેજી, હું તમને કહેવા આવ્‍યો છું કે, તમારે ભાજપને દૂર કરવી હોય અને કોંગ્રેસની અંદર જે ભાજપના લોકો છે, તેને દૂર કરવા હોય તો હું તમને પૂછવા ઇચ્‍છું છે કે, જો કોઈ શહેર અધ્‍યક્ષ છે, જેનો એક દીકરો સપામાં હોય અને બીજો ભાજપમાં... શું તે પ્રમુખ બનવાને લાયક છે ? જો તે શહેર પ્રમુખ બનવા લાયક છે તો અમે પણ તેનો સ્‍વીકાર કરીએ છીએ.

વધુમાં મિશ્રાએ કહ્યું કે, કાનપુરમાં આપણે ૪ લાખ ૨૨ હજાર મત મેળવ્‍યા. આ તક મને મળી, જે ઇતિહાસમાં ઈ.સ ૧૯૪૭થી કોઈને નથી મળી. હું તમને વિનંતી કરવા આવ્‍યો છું કે, શહેર પ્રમુખોને જે તમે સત્તા આપી છે, તેનો અમે સ્‍વીકાર કરીએ છીએ. પરંતુ, તેની સાથોસાથ એ નિર્ણય કરી લો કે, શહેર અથવા જિલ્લા પ્રમુખ જે પણ હોય તે ચૂંટણી માટે અરજી નહીં કરે. તે ફક્‍ત સંગઠનનું કામ કરશે. નહીંતર દરેક શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ ખુદ ચૂંટણીનો ઉમેદવાર બની જશે.

કોંગ્રેસ સંગઠન વિશે વાત કરતાં આલોક મિશ્રાએ કહ્યું કે, જે લોકોએ ૧૯૮૨માં મારી જેમ કોંગ્રેસ નથી છોડી, હું તમને વચન આપું છું કે, હું મારું સર્વસ્‍વ ન્‍યોછાવર કરવા ઇચ્‍છું છું, તમારા માટે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા માટે બધું છોડવા ઇચ્‍છું છું. કોઈ પ્રકારે કોંગ્રેસ સત્તામાં આવી જાય, જ્‍યારે સત્તા હાથમાં આવશે તો આપણે નિર્ણય લઈશું. આલોક મિશ્રાના સંબોધન દરમિયાન ખુદ કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્‍યસભા સાંસદ સોનિયા ગાંધી તાળી વગાડતાં જોવા મળ્‍યા હતા.

જણાવી દઈએ કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આલોક મિશ્રાને કાનપુર લોકસભા બેઠકથી ટિકિટ આપી હતી. તે ઇન્‍ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા. સપા અને કોંગ્રેસના સહયોગી સાથે મિશ્રા ૪,૨૨,૦૮૭ મત સાથે બીજા નંબરે આવ્‍યા હતા. ભાજપના રમેશ અવસ્‍થીને ૪૪૩૦૫૫ મત મળ્‍યા હતાં અને તેમણે ૨૦,૯૬૮ મત સાથે ચૂંટણી જીતી હતી. (૩પ.૭)

(4:04 PM IST)