<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમી: બાડમેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો : યુપીના ઘણા જિલ્લામાં વરસાદ

-- ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક સ્થળોએ તાપમાન 43 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું

નવી દિલ્હી :સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીની ઝપેટમાં છે. રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયો છે. ત્યારે દિલ્હીમાં પણ રાત્રિ પણ વધુ ગરમ થઈ રહી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક સ્થળોએ તાપમાન 43 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું. સાથે જ યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુરુવારથી આગામી પાંચ દિવસ સુધી ગરમીની લહેર ઓછી થવાની શક્યતા છે.

 

હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી ગરમી 10 એપ્રિલથી ઓછી થવાની સંભાવના છે, જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 11 એપ્રિલથી ગરમી ઓછી થવાની સંભાવના છે. પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે તાપમાનમાં ઘટાડો સાથે ઝરમર કે હળવો વરસાદ પડી શકે છે.

 

રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયો છે. પિલાનીમાં ૪૪.૯ ડિગ્રી, ફલોદીમાં ૪૩.૮ ડિગ્રી અને ચુરુમાં ૪૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં રાજકોટમાં 45.2 ડિગ્રી, અમરેલીમાં 44.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરૂવારે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ રહી શકે છે.

 

મહારાષ્ટ્રમાં અકોલા અને જલગાંવમાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મધ્ય ભારતના રતલામમાં ૪૪.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૬.૩ ડિગ્રી વધારે હતું, જ્યારે હોશંગાબાદમાં ૪૩.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

 

ઉત્તર પ્રદેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે જ્યારે ઘણા જિલ્લાઓમાં હળવો ઝરમર વરસાદ પડી રહ્યો છે. બુધવારે પ્રયાગરાજ, ફતેહપુર, બાંદા, ઝાંસી, હમીરપુર, આગ્રા, અલીગઢ અને બુલંદશહર જેવા જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો હતો. ઝાંસીમાં સૌથી વધુ 42.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે તરાઈ વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે.

 

પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદ જ્યારે જમ્મુમાં કાળઝાળ તડકાના કારણે લોકો ત્રસ્ત બની ગયા છે. બુધવારે કાશ્મીરના ઊંચા પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઘણા દિવસોથી સૂકા હવામાન વચ્ચે તાપમાન જે સામાન્ય કરતાં અનેક ડિગ્રી વધારે હતું, તે ફરી ઘટી ગયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન બરફવર્ષા અને વરસાદની આગાહી કરી છે. જમ્મુમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.1 ડિગ્રી નોંધાયું હતું.

(12:57 PM IST)