News of Friday, 11th April 2025
લતા મંગેશકર પરિવાર પર મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી વડેટ્ટીવારનો વિવાદાસ્પદ હુમલો: મંગેશકર પરિવાર લૂંટારૂઓની ગેંગ, માનવતા પર કલંક હોવાનો આરોપ

પૂણે: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી વિજય વડેટ્ટીવારે દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતના મુદ્દે લતા મંગેશકરના પરિવાર પર આકરા પ્રહારો કર્યા છે.
વડેટ્ટીવારે મંગેશકર પરિવારને ‘લૂંટારૂઓની ગેંગ’ અને ‘માનવતા પર કલંક’ ગણાવી, સમાજ માટે ક્યારેય યોગદાન ન આપ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ નિવેદનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં હોબાળો મચ્યો છે.
વિવાદનું કેન્દ્ર પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલ છે, જ્યાં ભાજપ એમએલસી અમિત ગોરખેના અંગત સચિવની પત્ની તનીષા ભિસેનું કથિત રીતે 10 લાખ રૂપિયા જમા ન કરાવવાને કારણે દાખલ ન કરવાથી મોત થયું હતું. તનીષાએ જોડિયા દીકરીઓને જન્મ આપ્યો, પરંતુ તેમનું મૃત્યુ થયું.
વડેટ્ટીવારે આ ઘટનાને લઈ હોસ્પિટલની કામગીરી અને મંગેશકર પરિવારની નીતિ પર સવાલ ઉઠાવ્યા. વડેટ્ટીવારે કહ્યું કે મંગેશકર પરિવાર માનવતા પર કલંક છે. તે લૂંટારૂઓની ગેંગ છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તેમણે સમાજ માટે કોઈ યોગદાન આપ્યું હોય? ફક્ત એટલા માટે કે તેઓ સારું ગાય છે તેમની પ્રશંસા થાય છે. તેમણે વધુમાં કહ્યું કે “જેમણે હોસ્પિટલ માટે જમીન દાન આપી, તેમની સાથે પણ સારું વર્તન ન થયું. ચેરિટીના નામે ગરીબોને લૂંટવાનું બંધ થવું જોઈએ.”
આ હોસ્પિટલ ૨૦૦૧ ખિલારે પાટિલ પરિવારે દાન આપેલી ૬ એકર જમીન પર બની હતી, જેનું નામ લતા મંગેશકરના પિતા અને મરાઠી ગાયક-અભિનેતા દીનાનાથ મંગેશકરના નામે રાખવામાં આયું. ૮૦૦ બેડની આ ચેરિટેબલ હોસ્પિટલ મલ્ટી-સ્પેશ્યાલિટી સેવાઓ પૂરી પાડે છે.
સોશિયલ મીડિયા એક્સ પર આ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. કેટલાક યૂઝર્સે વડેટ્ટીવારના નિવેદનને ‘અયોગ્ય’ ગણાવી લતા મંગેશકરના સંગીત અને સામાજિક યોગદાનનો બચાવ કર્યો છે. અન્ય કેટલાકે હોસ્પિટલની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા.
હિન્દી અને અંગ્રેજી મીડિયામાં પણ આ વિવાદે ધ્યાન ખેંચ્યું છે, જ્યાં વડેટ્ટીવારના આક્ષેપોને ‘વિવાદાસ્પદ’ ગણાવાયા. ગુજરાતી સોશિયલ મીડિયામાં લતા મંગેશકરના ચાહકોએ આ નિવેદનોને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યા.
મંગેશકર પરિવારે હજુ આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણાવ વધે તેવી શક્યતા છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
