<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

આગ્રામાં કરણી સેનાના કાર્યક્રમ પહેલાં ત્રિસ્તરીય સુરક્ષા: ૩ લાખ લોકો ઉમટી પડશે: જબરો બંદોબસ્ત: સેંકડો જવાનો ઉતારી દેવાયા: રાણા સાંગા જયંતીની ઉજવણી માટે કરણી સેના મક્કમ

કરણી સેનાએ લોકોને “એક ઝંડો, એક લાકડી” સાથે આવવા હાકલ કર્યાની ભારે ચર્ચા: પોલીસ હાઈ એલર્ટ : રાણા સાંગા વિશે વિવાદિત ઉચ્ચારણો કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમનના વિસ્તારને ખાસ ઘેરી લેવામાં આવ્યો

આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં આવતીકાલે ૧૨ એપ્રિલે કરણી સેના દ્વારા રાણા સાંગા જયંતીની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમ પહેલાં પોલીસે લોખંડી વ્યવસ્થા ગોઠવી છે. શહેરમાં ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે, અને સમાજવાદી પાર્ટીના વિવાદિત સાંસદ રામજી લાલ સુમનના વિસ્તારને ખાસ ઘેરો નાખવામાં આવ્યો છે. 

 

 

કરણી સેનાના આ કાર્યક્રમમાં લગભગ ૩ લાખ લોકો ભાગ લે તેવી શક્યતા છે. સનાતન હિન્દુ મહાસભાના બેનર હેઠળ આયોજિત આ કાર્યક્રમ માટે પોલીસે મંજૂરી આપી છે, પરંતુ કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ૧૨૦૦ હેલ્મેટ અને ૧૦૦૦ લાકડીઓનો ઓર્ડર આપ્યો છે. એટમદપુરના ગઢી રામી વિસ્તારમાં યોજાનાર આ કાર્યક્રમના સ્થળનું પોલીસે નિરીક્ષણ કરી લીધું છે. 

 

 

આગ્રા પોલીસે દંગા નિયંત્રણની રિહર્સલ પણ કરી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના જવાનો તૈનાત કર્યા છે. સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતી મુજબ, કરણી સેનાએ લોકોને “એક ઝંડો, એક લાકડી” સાથે આવવા જણાવ્યું છે, જેને લઈને પોલીસ ખાસ સતર્ક છે. 

 

આ પહેલાં, રામજી લાલ સુમનના રાણા સાંગા વિશેના વિવાદાસ્પદ નિવેદન બાદ કરણી સેનાના કાર્યકરોએ ૨૬ માર્ચે તેમના નિવાસસ્થાને હુમલો કર્યો હતો, જેમાં તોડફોડ અને પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ સુમનના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે. 

પોલીસે કાર્યક્રમના મુખ્ય આયોજકો પર નજર રાખી છે અને જરૂર પડે તો તેમને ઘરમાં નજરકેદ કરવાની તૈયારી કરી છે. આગ્રા પોલીસે સ્થાનિક લોકોને પણ સતર્ક રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

(3:49 PM IST)