<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

હવે ટ્રમ્પે તૈયાર કર્યુ 'ડેથ માસ્ટર લીસ્ટ'

ગેરકાયદે પ્રવાસીઓનો વારો ચડી જશેઃ દેશ છોડવા બનવું પડશે મજબુર

વોશિંગ્ટનઃ અમેરીકામાં ટ્રમ્પ પ્રશાસને ગેરકાયદેસર રીતે રહી રહેલા પ્રવાસીઓને જાતે જ દેશ છોડવા મજબુર બનાવવાની એક નવી યોજના બનાવી છે.

આ યોજના હેઠળ આવા લોકોને સોશ્યલ સીકયોરીટી એડમીનીસ્ટ્રેશનના 'ડેથ માસ્ટર લીસ્ટ' માં સામેલ કરવામાં આવશે. જેમાં સામાન્ય રીતે મરી ગયેલ લોકોના નામ હોય છે. આનાથી આ પ્રવાસીઓના સોશ્યલ સીકયોરીટી નંબર (એસએસએન) નિષ્ક્રીય થઇ જશે અને તેઓ સરકારી લાભો અને નાંણાકીય સેવાઓથી વંચીત થઇ જશે.

આ માહીતી એક પ્રશાસનીક અધીકારીએ આપી હતી. જેમણે નામ જાહેર નહી કરવાની શરતે રોઇટર્સને આ વાત જણાવી હતી. આ યોજના એવા પ્રવાસીઓ પર લાગુ થશે જેમને બાઇડન પ્રશાસન હેઠળ અમેરીકામાં કાયદેસર રીતે હંગામી દરજજો અપાયો હતો. પણ હવે તે દરજજો રદ કરી દેવાયો છે.

સોશ્યલ સીકયોરીટી નંબર અમેરીકામાં ટેક્ષ ભરવા અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી હોય છે. તેના વગર કોઇ વ્યકિત બેંકમાં ખાતુ નથી ખોલાવી શકતો. ક્રેડીટ કાર્ડ નથી લઇ શકતો કે કોઇ અન્ય જરૂરી આર્થીક કાર્ય પણ નથી કરી શકતો.

આ યોજનાઓનો ઉદેશ એ છે કે ગેરકાયદેસર રીતે રહેતા લોકો જયારે પોતાને આર્થીક રીતે સંપુર્ણપણે કપાયેલા જોશે તો તેઓ જાતે જ અમેરીકા છોડી દેશે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર આ યોજના ટ્રમ્પ શાસન પ્રશાસન દ્વારા સંવેદનશીલ ડેટાના ઉપયોગને વધુ આગળ વધારવાની દિશામાં વધુ એક પગલું છે.

ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે જો અમેરીકામાં રહેવા માટે કોઇ આર્થીક કે કાયદાકીય લાભ નહીં મળે તો લોકો જાતે પોતાના દેશમાં પરત જશે. ટ્રમ્પના સહાયક પ્રેસ સચીવ બીઝ હસ્ટને કહયું ''રાષ્ટ્રપતિ ટ્રમ્પે વચન આપ્યું હતું કે ગેરકાયદે પ્રવાસીઓ વિરૂધ્ધ સખત કાર્યવાહી થશે અને આ યોજના એ દિશામાં એક પગલું છે.''

ન્યુયોર્ક ટાઇમ્સે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ૬૩૦૦થી વધારે આવા લોકોના નામ 'ડેથ માસ્ટર લીસ્ટ'માં નખાઇ ચુકયા છે. જેમને કાં તો અપરાધી ગણવામાં આવ્યા છે અથવા આતંકવાદી ગતીવીધીઓ સાથે સંકળાયેલા ગણવામાં આવ્યા છે

(4:41 PM IST)