<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ટ્રમ્પને ઝટકો : ભારતીય મૂળના જજે આપ્યો મહત્વનો ચુકાદો : લાખો ઇમિગ્રન્ટસને રાહત આપી

કયુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના હજારો ઈમિગ્રન્ટ્સનો કાનૂની રક્ષણાત્મક દરજ્જો રદ કરવાના નિર્ણયને રોકી દીધો

નવી દિલ્હી, તા.૧૧: અમેરિકાની ફેડરલ કોર્ટમાં ભારતીય મૂળના યુએસ ડિસ્ટ્રિકટ જજ ઇન્દિરા તલવાણીએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. તેમણે કયુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના હજારો ઈમિગ્રન્ટ્સનો કાનૂની રક્ષણાત્મક દરજ્જો રદ કરવાના નિર્ણયને રોકી દીધો છે. આ ચુકાદાથી લાખો ઈમિગ્રન્ટ્સને રાહત મળી છે.

જજ તલવાણીએ ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરતા જણાવ્યું કે, હોમલેન્ડ સિકયુરિટીનો નિર્ણય કાયદાના ખોટા અર્થઘટન પર આધારિત છે. તેમણે કહયું, ''ગેરકાયદે સરહદ પાર કરનારાઓને દેશનિકાલ કરી શકાય, પરંતુ જેમને સરકારે પહેલાથી બે વર્ષની રાહત આપી છે, તેમને નિશાન બનાવી શકાય નહીં.''

આ રાહત પૂર્વ પ્રમુખ જો બાઈડેને આપી હતી, જેને ટ્રમ્પ રદ કરવા માગતા હતા.

આ નિર્ણયથી ટ્રમ્પ પ્રશાસન અને યુએસ ન્યાયિક પ્રણાલી વચ્ચે નવો સંઘર્ષ શરૂ થયો છે. ખાસ કરીને યુક્રેન, અફઘાનિસ્તાન અને અન્ય દેશોના ઈમિગ્રન્ટ્સને પ્રવેશની મંજૂરી આપનાર બાઈડેનના નિર્ણયને ટ્રમ્પ ઉલટાવવા માગતા હતા, પરંતુ તલવાણીના ચુકાદાએ તેમને રોકી દીધા.

આ ચુકાદો ઈમિગ્રન્ટ્સના હિતોનું રક્ષણ કરે છે અને કાયદાનું પાલન કરનારાઓને સન્માન આપે છે, એવું ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું.

(4:40 PM IST)