<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

અમેરિકાએ ૬૦૦થી વધુ સ્ટૂડન્ટ વિઝા રદ કરી દીધા

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પોતાની ઈમિગ્રેશન નીતિ વધુ કડક બનાવી જ્યારે કેટલાક સ્ટૂડન્ટસ સામે તો ટ્રાફિકના નિયમો તોડવા જેવા સામાન્ય ગુના નોંધાયેલા હોવા છતાં તેમના વિઝા રદ કરી દેવાયા છે

વોશીંગ્ટન, તા.૧૧: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈમિગ્રેશન નીતિઓ કડક કરી દીધી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઈલીગલ ઈમિગ્રન્ટ્સની સાથે-સાથે ઈઝરાયલ વિરોધી પ્રદર્શનોમાં સામેલ સ્ટૂડન્ટ્સ અને ટ્રાફિક નિયમો તોડવા જેવા સામાન્ય ગુના કરનારા સ્ટૂડન્ટ્સ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. જેના કારણે અમેરિકામાં ભણતા વિદેશી સ્ટૂડન્ટ્સ અને યુનિવર્સિટીઝ બંનેની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એકશનના કારણે અભિવ્યવકિતની સ્વતંત્રતા, રાષ્ટ્રીય સુરક્ષા અને ગ્લોબલ એજ્યુકેશન સિસ્ટમના ભવિષ્ય સામે સવાલો ઊભા થયા છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પને ટીકાઓ અને વિરોધની કોઈ પરવા ન હોય તેવું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ૩૦૦થી વધુ વિદેશી સ્ટૂડન્ટ્સના વિઝા રદ કરી દીધા હોવાના અહેવાલ આવ્યા હતા. જેના પગલે ખાસ્સો હોબાળો થયો હતો. હવે જાણવા મળી રહ્યું છ કે, ટ્રમ્પ સરકારે વધુ ૬૦૦ વિદેશી સ્ટૂડન્ટ્સના વિઝા રદ કરી દીધા છે કે પછી તેમનું લીગલ સ્ટેટ્સ ચેન્જ કરી દીધું છે. ઈનસાઈડ હાયર EDને મળેલા યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટામાં આ વાત સામે આવી છે.

ડેટા મુજબ, ૧૦૦થી વધુ કોલેજો અને યુનિવર્સિટીઝને તેમના ૬૦૦થી વધુ વિદેશી સ્ટૂડન્ટનું માઈગ્રેશન સ્ટેટસ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ચેન્જ કરી નાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઈન્સ્ટિટ્યૂશન્સે જણાવ્યું હતું કે, તેમના સ્ટૂડન્ટ્સના F-૧ અને J-૧ સ્ટૂડન્ટ વિઝા રદ કરી દેવાયા છે. એવી વાત પણ સામે આવી છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઈઝરાયલ વિરોધી પ્રદર્શનોમાં સામેલ વિદેશી સ્ટૂડન્ટ્સની સાથે-સાથે સિગ્નલ તોડવા કે સ્પીડમાં વાહન ચલાવવા જેવા ટ્રાફિકના સામાન્ય નિયમો તોડનારા સ્ટૂડન્ટ્સને ટાર્ગેટ કર્યા છે. જોકે, કોલેજોનું કહેવું છે કે, તેમને વિદેશી સ્ટૂડન્ટ્સના વિઝા રદ કરવા પાછળના સ્પષ્ટ કારણની જાણ નથી. કોલેજોએ એમ પણ જણાવ્યું હતું કે, તેમને એ પણ ખબર નથી કે ઈમિગ્રેશન ઓથોરિટી તરફથી વિદેશી સ્ટૂડન્ટ્સને તેમનું સ્ટેટ્સ ચેન્જ કરાયાની ઔપચારિક જાણ કરવામાં આવી છે કે નહીં.

એકિસયોસના રિપોર્ટ મુજબ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલું અભિયાનમાં ખ્ત્નો ઉપયોગ કરી વિદેશી સ્ટૂડન્ટ્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં હમાસ કે અન્ય આતંકવાદી સંગઠનનું સમર્થન કરતી કોઈ પોસ્ટ કે મેસેજ કરાયાનું ધ્યાનમાં આવે તો એ સ્ટૂડન્ટ્સના વિઝા રદ કરી દેવામાં આવે છે.

(4:37 PM IST)