<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સેવાની ભાવના આજે શાસનને આપે છે માર્ગદર્શન: પીએમ મોદી મધ્યપ્રદેશના આનંદપુર ધામ ખાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ઇસાગઢ તહસીલમાં આનંદપુર ધામ ખાતે ગુરુજી મહારાજ મંદિરની લીધી મુલાકાત: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ વીડી શર્મા આ કાર્યક્રમમાં રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબો અને વંચિતોના ઉત્થાનનો સંકલ્પ, 'સબકા સાથ, સબકા વિકાસ'નો મંત્ર અને સેવાની ભાવના આજે સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો છે. શ્રી મોદી આજે મધ્યપ્રદેશના અશોકનગરના ઇસાગઢમાં શ્રી આનંદપુર ધામ ખાતે ભક્તોને સંબોધિત કરી રહ્યા હતા.

સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે સમાજના ગરીબ અને વંચિત વર્ગના જીવનને સરળ બનાવવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આયુષ્માન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને જળ જીવન મિશન જેવી વિવિધ પહેલો અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સેવાની ભાવના સરકારના કાર્યપ્રણાલીના મૂળમાં છે, અને સરકાર સમાજના તમામ વર્ગો માટે કામ કરી રહી છે. તેમણે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'એક પેડ મા કે નામ' નામના અભિયાનની શરૂઆતનો પણ ઉલ્લેખ કર્યો.

શ્રી મોદીએ ઉમેર્યું કે વિશ્વમાં ભૌતિક પ્રગતિ વચ્ચે, આપણે યુદ્ધ, સંઘર્ષ અને માનવીય મૂલ્યો સંબંધિત વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે વિશ્વ હવે આ પડકારોના જવાબો શોધી રહ્યું છે, અને તેનો ઉકેલ અદ્વૈતના દર્શનમાં રહેલો છે. અગાઉ, પ્રધાનમંત્રીએ પરમહંસ અદ્વૈત સંપ્રદાયના મંદિરોની મુલાકાત લીધી હતી, અગ્રણી આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને સત્સંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ વીડી શર્મા સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ઇસાગઢ તહસીલમાં આનંદપુર ધામ ખાતે ગુરુજી મહારાજ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ આનંદપુર ધામ ખાતે મંદિર સંકુલની પણ મુલાકાત લીધી હતી.

આનંદપુર ધામ આધ્યાત્મિક અને પરોપકારી હેતુઓ માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. ૩૧૫ હેક્ટરમાં ફેલાયેલા, તેમાં ૫૦૦ થી વધુ ગાયો સાથે એક આધુનિક ગૌશાળા છે. ટ્રસ્ટ શ્રી આનંદપુર ટ્રસ્ટ કેમ્પસમાં કૃષિ પ્રવૃત્તિઓ પણ ચલાવે છે. તે સુખપુર ગામમાં એક ચેરિટેબલ હોસ્પિટલ, સુખપુર અને આનંદપુર બંનેમાં શાળાઓ અને દેશભરમાં વિવિધ સત્સંગ કેન્દ્રો ચલાવે છે.

 

(7:14 PM IST)