<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કાળઝાળ ગરમી વચ્ચે મધ્ય રેલ્વેનો મોટો નિર્ણય : 16 એપ્રિલથી જૂની નોન-એસીને બદલે 14 વધુ એર-કન્ડિશન્ડ સેવાઓ શરૂ કરશે.

છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચ મહિનામાં મધ્ય રેલવેમાં એસી ટ્રેનોનો ઉપયોગ કરતા મુસાફરોની સંખ્યામાં 73 ટકાનો વધારો થયો

મુંબઈ : ઉનાળાની શરૂઆતથી જ મુંબઈમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભીડના સમયે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. તેથી ઉનાળા દરમિયાન મુસાફરોને વધુ આરામદાયક અને આનંદપ્રદ સુવિધા આપવા માટે, મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર 14 વધારાની એર-કન્ડિશન્ડ ઉપનગરીય ટ્રેનો દોડાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. મધ્ય રેલ્વે 16 એપ્રિલથી જૂની નોન-એસીને બદલે 14 વધુ એર-કન્ડિશન્ડ (એસી) સેવાઓ શરૂ કરશે.

મધ્ય અને પશ્ચિમ ઉપનગરીય રેલ્વે લાઇનો પર એસી ટ્રેનોની લોકપ્રિયતા વધી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચ મહિનામાં મધ્ય રેલવેમાં એસી ટ્રેનોનો ઉપયોગ કરતા મુસાફરોની સંખ્યામાં 73 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે પશ્ચિમ રેલ્વેમાં 67 ટકાનો વધારો જોવા મળ્યો છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો મધ્ય રેલવેમાં આ સંખ્યા માર્ચ 2022-23માં 48,989થી વધીને માર્ચ 2024-25માં 84,847 સંખ્યા વધી ગઈ છે, જયારે પશ્ચિમ રેલવેમાં આ જ સમયગાળા દરમિયાન આ સંખ્યા 90,040થી વધીને લગભગ 1.63 લાખ થઈ ગઈ છે.

મધ્ય રેલવે હાલમાં દરરોજ 66 સેવાનું સંચાલન કરે છે. વધારાની 14 સેવા સાથે દૈનિક એસી સેવાઓની કુલ સંખ્યા 80 થશે. નવી સેવાઓ સીએસએમટી-થાણે/કલ્યાણ/બદલાપુર રૂટ પર અપ અને ડાઉન દિશામાં ઉમેરવામાં આવશે. સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન એક-એક સેવા હશે, જ્યારે બાકીની 12 સેવા બાકીના સમયમાં ચલાવવામાં આવશે.

મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમારી એસી લોકલમાં મુસાફરી કરતા દૈનિક મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વધુમાં, ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે.

(8:43 PM IST)