<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

કિશ્તવાડના છત્રુ સબડિવિઝનના નાયડગામ જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર : ત્રણ આતંકીઓ માર્યા ગયા:સર્ચ ઓપરેશન ચાલુ

માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાન આધારિત સૈફુલ્લાહ મોડ્યુલના સભ્યો: સેના, CRPF, પોલીસ અને પેરા કમાન્ડો અભિયાનમાં જોડાયા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છત્રુ સબડિવિઝનના નાયડગામ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું . ગુપ્તચર માહિતીના આધારે શરૂ થયેલા ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા હતા .

છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે સુરક્ષા દળો સાથે આતંકવાદીઓનો સંપર્ક થયો અને ગોળીબાર શરૂ થયો. સેના, CRPF, પોલીસ અને પેરા કમાન્ડો અભિયાનમાં જોડાયા છે.

માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાન આધારિત સૈફુલ્લાહ મોડ્યુલના સભ્યો હોવાનું મનાય છે. આ જ જૂથે જુલાઈ 2024માં ડોડા જિલ્લામાં ભારતીય સેના પર હુમલો કર્યો હતો. તેઓ છેલ્લા 8થી 9 મહિનાથી કિશ્તવાડના ઘન જંગલોમાં છુપાઈને પ્રવૃત્તિઓ ચલાવતા હતા.

 

SSP આમોદ અશોક નાગપુરે જણાવ્યું કે જંગલ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે. જ્યારે ડીઆઈજી શ્રીધર પાટિલે કહ્યું કે સંપૂર્ણ ખાત્મો નહીં થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. સુરક્ષા દળો સતત પ્રયત્નશીલ છે કે એકપણ આતંકવાદી બચી ન જાય.

નાયડગામ વિસ્તાર ગાઢ જંગલ, ઊંચા પર્વતો અને નદીઓથી ઘેરાયેલો હોવાથી ઓપરેશન અત્યંત પડકારજનક છે. શોધક કૂતરાઓ અને ડ્રોનથી મદદ લેવાઈ રહી છે. સાથે સાથે જોફડના, રામનગર અને કુલ્ટીયાનના જંગલોમાં પણ તલાશ અભિયાન ચાલી રહ્યું છે. 9 એપ્રિલે જોફડના જંગલમાં ત્રણ કલાક સુધી એન્કાઉન્ટર થયું હતું જેમાં આતંકવાદીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. ત્યારથી આખા વિસ્તારમાં તલાશ અભિયાન ચાલી રહ્યું છે. પોલીસે માન્યું છે કે આતંકવાદીઓ કુદરતી ગુફાઓમાં છુપાઈ શકે છે.

સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા બાદ હવે સમગ્ર વિસ્તારના સર્ચ માટે ઓપરેશન ચાલુ રાખ્યું છે. દેશના રક્ષકોેના પ્રશંસનીય હિંમતભર્યા પ્રયાસો ચાલું છે અને લોકોમાં સુરક્ષાની ભાવના જાગી છે.

(1:11 AM IST)