<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ભારત હવે ચીન પાસેથી નથી ઇચ્છતું વધુ રોકાણ

વિકસિત દેશો સાથે વેપાર વધારવા પર ફોકસઃકેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કહ્યું કે, ભારત તેના હિતોનું રક્ષણ કરશે : અમારા માટે ભારત પ્રથમ આવે તે આપણા હિતમાં હશે

નવી દિલ્હી, તા.૧૨:કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતુ કે ભારતમાં હવે ચીન પાસેથી અત્યાર સુધીમાં જંગી રોકાણ આવ્યુ નથી અને સરકાર પણ ચીન પાસેથી મોટુ રોકાણ પ્રાપ્ત કરવાના પક્ષમાં નથી. તેમણે કહ્યુ કે નિષ્પક્ષ વેપારમાં ભરોસો રાખે છે અને જ્યાં આપણને વેપાર અને રોકાણનો સમાન હિસ્સો મળે તે રીતે ભારતની અર્થવ્યવસ્થા એ વિકસિત દેશો સાથે જોડાય એવુ અમે ઇચ્છીએ છીએ.

કાર્નેગી ઈન્ડિયા વર્લ્ડ ટેક્નોલોજી સમિટને સંબોધતા ગોયલે કહ્યું કે, દરેક વસ્તુ પરસ્પર વિશ્વાસ, પરસ્પર લાભ અને સમાનતા પર આધારિત હશે. ગોયલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે વૈશ્વિક વેપાર પ્રણાલીમાં આવેલા ફેરફારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમને આમાં કોઈ મોટી સમસ્યા દેખાતી નથી, પરંતુ આ પરિવર્તન વિશ્વ માટે ફાયદાકારક છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત તેના હિતોનું રક્ષણ કરશે. અમારા માટે ભારત પ્રથમ આવે તે આપણા હિતમાં હશે, અમે તે મુજબ અમારી નીતિઓમાં ફેરફાર કરીશું. હાલમાં ચીનમાંથી ભારતમાં ભાગ્યે જ કોઈ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) આવી રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષથી પણ આવી જ સ્થિતિ છે. જ્યારે ચીન માટે દરવાજા ખુલ્લા હતા ત્યારે પણ ભારતમાં વધારે રોકાણ આવ્યું ન હતું. હાલમાં અમે ચીન તરફથી કોઈ મોટા રોકાણને પ્રોત્સાહિત કરી રહ્યાં નથી. આ અમારી વર્તમાન નીતિ છે.

તેમણે કહ્યું હતું કે, અમારો પ્રયાસ એ વિકસિત દેશો સાથે અમારી અર્થવ્યવસ્થાને જોડવાનો છે, જે વાજબી વેપારમાં વિશ્વાસ રાખે છે, પ્રમાણિક વ્યાપારી પદ્ધતિઓનું પાલન કરે છે અને જ્યાં અમને વેપાર કરવા અને રોકાણ કરવાની સમાન તકો મળે છે. દરેક વસ્તુ પરસ્પર વિશ્વાસ, પરસ્પર લાભ અને આપવા અને લેવાની ભાવના પર આધારિત હશે. તેથી મને નથી લાગતું કે આનાથી ટૂંકા ગાળાની અસ્થિરતા સિવાય કોઈ મોટી કટોકટી સર્જાશે. હું માનું છું કે વિશ્વમાં જે ફેરફારો થઈ રહ્યા છે તે ખરેખર સમગ્ર વિશ્વ માટે સારા છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૯ એપ્રિલે યુએસ સાથે વેપાર વાટાઘાટો કરી રહેલા દેશો પર ૯૦ દિવસ માટે ટેરિફ પર અસ્થાયી પ્રતિબંધ લાદ્યો હતો. આ સમયગાળા દરમિયાન, આ દેશો પર માત્ર ૧૦% ડ્યુટી વસૂલવામાં આવશે. પરંતુ તેઓએ ચીન પર ૧૪૫% સુધીની ટેરિફ લાદી. તેના જવાબમાં ચીને પણ વળતી ટેરિફ લગાવી હતી.

 

(8:20 PM IST)