<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

હાર્વર્ડ યુનિવર્સિટીના ફેકલ્ટીએ ટ્રમ્પ સરકાર સામે કર્યો દાવો : 9 બિલિયન ડોલરની ફંડિંગ કાપના નિર્ણય સામે DEI બંધ અને માસ્ક પ્રતિબંધનો વિરોધ

અમેરિકન એસોસિયેશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સ અને હાર્વર્ડ ચેપ્ટરે મેસેચુસેટ્સની ફેડરલ કોર્ટમાં દાખલ કરી અરજી : શૈક્ષણિક સ્વતંત્રતા અને મુક્ત ભાષણ પર ખતરો હોવાનો આરોપ

મેસેચુસેટ્સ : હાર્વર્ડ યુનિવર્સિટીના ફેકલ્ટીએ ટ્રમ્પ સરકાર દ્વારા 9 બિલિયન ડોલરના ફેડરલ ફંડિંગની સમીક્ષા અને તેના સંભવિત કાપના નિર્ણય સામે ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. અમેરિકન એસોસિયેશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સ (AAUP) અને તેની હાર્વર્ડ શાખાએ મેસેચુસેટ્સની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ અરજી દાખલ કરી, જેમાં ફંડિંગ રોકવા સામે તાત્કાલિક અસ્થાયી પ્રતિબંધની માંગણી કરવામાં આવી છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડના 255.6 મિલિયન ડોલરના કોન્ટ્રાક્ટ્સ અને 8.7 બિલિયન ડોલરના મલ્ટી-યર ગ્રાન્ટ્સની સમીક્ષા શરૂ કરી છે, જેની સાથે વિવિધ શરતો લાદવામાં આવી છે. આ શરતોમાં કેમ્પસમાં માસ્ક પર પ્રતિબંધ, ડાયવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લુઝન (DEI) કાર્યક્રમો બંધ કરવા અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સહકારનો સમાવેશ થાય છે. હાર્વર્ડ ફેકલ્ટીએ આ પગલાંને શૈક્ષણિક સ્વતંત્રતા અને મુક્ત ભાષણ પરનો હુમલો ગણાવ્યો છે.

ટ્રમ્પ સરકારે આ સમીક્ષાને કેમ્પસમાં એન્ટિસેમિટિઝમ (યહૂદી-વિરોધી વલણ)નો સામનો કરવામાં નિષ્ફળતાનું કારણ આપ્યું છે. 31 માર્ચે શિક્ષણ વિભાગ, આરોગ્ય અને માનવ સેવા વિભાગ તેમજ જનરલ સર્વિસિસ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાર્વર્ડને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં ફંડિંગ જાળવવા માટે આ શરતોનું પાલન કરવા જણાવાયું હતું. આ શરતોને હાર્વર્ડના ફેકલ્ટીએ ગેરકાયદેસર અને અમેરિકન બંધારણના પ્રથમ સુધારા હેઠળના મુક્ત ભાષણના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. દાવામાં જણાવાયું છે કે, “આ કાર્યવાહી ટ્રમ્પ સરકારના ફેડરલ ફંડિંગ અને નાગરિક અધિકારોના અમલના અધિકારનો ગેરકાયદેસર દુરુપયોગ છે, જે શૈક્ષણિક સ્વતંત્રતા અને મુક્ત ભાષણને નબળું પાડે છે.”

હાર્વર્ડના કાયદા પ્રોફેસર અને AAUP-હાર્વર્ડના જનરલ કાઉન્સેલ એન્ડ્રૂ મેન્યુઅલભાઈ ક્રેસ્પોએ જણાવ્યું, “હાર્વર્ડની ફેકલ્ટીને બોલવાનો, શીખવવાનો અને સંશોધન કરવાનો બંધારણીય અધિકાર છે, અને તેઓએ એવું ભય વિના કરવું જોઈએ કે સરકાર તેમના દૃષ્ટિકોણનો બદલો લેવા ગ્રાન્ટ્સ રદ કરશે.” દાવામાં એવો પણ આક્ષેપ છે કે આ સમીક્ષાએ હાર્વર્ડમાં શૈક્ષણિક સંશોધન અને તપાસને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે, જેમાં એન્ટિસેમિટિઝમ અથવા અન્ય નાગરિક અધિકાર ઉલ્લંઘન સાથે કોઈ સંબંધ નથી.

આ મુદ્દે શનિવારે હાર્વર્ડના કેમ્પસ નજીક સેંકડો વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્થાનિક અધિકારીઓ, જેમાં કેમ્બ્રિજના મેયર ડેનિસ સિમન્સનો સમાવેશ થાય છે, ટ્રમ્પ સરકારની કાર્યવાહીના વિરોધમાં એકઠા થયા. સિમન્સે જણાવ્યું, “હાર્વર્ડ પાસે આ દબાણનો સામનો કરવા માટે માત્ર સંસાધનો જ નથી, પરંતુ નૈતિક જવાબદારી પણ છે.” આ ઘટના ટ્રમ્પ સરકારની યુનિવર્સિટીઓ, જેમ કે હાર્વર્ડ, કોલંબિયા અને કોર્નેલ, સામેની કાર્યવાહીનો ભાગ છે, જેમાં એન્ટિસેમિટિઝમનો સામનો ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાર્વર્ડના પ્રેસિડેન્ટ એલનભાઈ ગાર્બરે જણાવ્યું કે યુનિવર્સિટીએ ગત 15 મહિનાથી એન્ટિસેમિટિઝમનો સામનો કરવા પ્રયાસો કર્યા છે, પરંતુ હજુ વધુ કામ કરવાની જરૂર છે.

 

(3:58 PM IST)