તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 13th April 2025
લગ્નનું વચન આપી મહિલા ડૉક્ટર સાથે કથિત દુષ્કર્મ : નાગપુરમાં આઇપીએસ અધિકારી સામે ગુન્હો નોંધાયો
ફરિયાદમાં આક્ષેપ કરાયો કે આઇપીએસ માટે પસંદગી થયા બાદ આરોપીએ મહિલાની અવગણના કરવા માંડી અને લગ્નનો ઇનકાર કર્યો

નાગપુર: લગ્નનું વચન આપીને મહિલા ડૉક્ટર સાથે કથિત દુષ્કર્મ કરવા પ્રકરણે નાગપુરમાં 30 વર્ષના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ 28 વર્ષની તબીબે શુક્રવારે ઈમામવાડા પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી.
ફરિયાદ અનુસાર નવેમ્બર, 2022માં સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ફરિયાદીની ઓળખાણ આરોપી સાથે થઈ હતી. તે સમયે આરોપી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) પરીક્ષાની તૈયારી કરતો હતો, જ્યારે ફરિયાદી પણ એમબીબીએસનો કોર્સ કરતી હતી.
ઑનલાઈન ચૅટિંગ પછી બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી. પછી બન્ને એકબીજાને કૉલ્સ કરી સંપર્કમાં રહેતાં હતાં. ધીરે ધીરે મિત્રતા થતાં આરોપીએ લગ્નની ખાતરી આપી ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) માટે પસંદગી થયા પછીથી આરોપીએ મહિલાની અવગણના કરવા માંડી હતી અને લગ્ન પણ ઇનકાર કર્યો હતો.
આરોપીના પરિવારજનો પણ ફરિયાદીને પ્રતિભાવ આપવાનું ટાળવા લાગ્યા હતા. પરિણામે હતાશ થયેલી ફરિયાદીએ ઈમામવાડા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે શનિવારે આઈપીએસ અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
