<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ખાનગી બેંકે આપ્યો મોટો ફટકો : હવે બેંકમાં પૈસા જમા કરાવવા પર નહીં મળે ઊંચું વ્યાજ : સૌથી મોટી ખાનગી બેંકે બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો

ગ્રાહકોને સીધી અસર થશે : અન્ય ખાનગી બેંકોની સરખામણીએ સૌથી નીચો વ્યાજ દર

નવી દિલ્હી : ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક તરફથી એક મોટા સમાચાર આવ્યા છે. બેંકે તેના ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે કારણ કે તેણે બચત ખાતાના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી ખાનગી બેંક હોવા છતાં, હવે તેના બચત ખાતાના વ્યાજ દરો (Savings Account Interest Rate) આ ક્ષેત્રની અન્ય બેંકોની સરખામણીએ સૌથી ઓછા છે. આ પગલાંની સીધી અસર બેંકમાં પૈસા જમા કરાવનારા ગ્રાહકો પર પડશે.

આ સમાચાર HDFC બેંક તરફથી આવ્યા છે. HDFC બેંકે તેના બચત ખાતાના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 2.75 ટકા કરી દીધો છે. આ દરો 50 લાખ રૂપિયાથી ઓછા બેલેન્સ પર લાગુ થશે. જ્યારે 50 લાખ રૂપિયાથી વધુના બેલેન્સ પર વ્યાજ દર 3.5 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દરો 12 એપ્રિલથી લાગુ થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં રેપો દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ લેવામાં આવ્યો છે. અન્ય ખાનગી બેંકોની વાત કરીએ તો, ICICI બેંક અને એક્સિસ બેંક બંને હાલમાં 50 લાખ રૂપિયાથી ઓછા બેલેન્સ પર 3 ટકાનો લઘુત્તમ વ્યાજ દર ઓફર કરી રહી છે.

બચત ખાતાનો વ્યાજ દર એટલે કે બેંક ખાતામાં જમા કરાયેલી રકમ પર આપવામાં આવતું વ્યાજ. તમે તમારા બચત ખાતામાં ગમે ત્યારે પૈસા જમા કરાવી શકો છો અને ઉપાડી પણ શકો છો. તેથી, જ્યાં સુધી તમારા ખાતામાં પૈસા રહેશે, ત્યાં સુધી તમને વ્યાજ મળતું રહેશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા HDFC બેંકે 1 એપ્રિલ 2025થી જ પસંદગીના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં પણ 35 થી 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. બચત ખાતાના વ્યાજ દરમાં આ ઘટાડો ગ્રાહકો માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જેઓ ઊંચા વ્યાજ દરની અપેક્ષા રાખતા હતા. હવે ગ્રાહકોને તેમના જમા નાણાં પર ઓછું વળતર મળશે.

 

(2:59 PM IST)