<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ટ્રમ્પના ટેરિફ વોરની અસર - સોનીએ પ્લેસ્ટેશન 5 ની કિંમતમાં 25% કર્યો વધારો

ઊંચા ફુગાવા અને અસ્થિર વિનિમય દરો સહિતના પડકારજનક આર્થિક વાતાવરણ વચ્ચે, કંપનીએ પ્લેસ્ટેશન 5 કન્સોલની ભલામણ કરેલ છૂટક કિંમત વધારવાનો કઠિન લીધો નિર્ણય : જો કે વધારો ફક્ત ડિજિટલ એડિશન માટે, ભાવમાં વધારાની હાલમાં ભારત પર કોઈ અસર નહી

યુએસ પ્રમુખ ટ્રમ્પના ટેરિફની અસર હવે વિડિઓ ગેમિંગ ઉદ્યોગ પર પણ દેખાઈ રહી છે. સોની ઇન્ટરેક્ટિવ એન્ટરટેઇનમેન્ટ (SIE) એ રવિવારે જણાવ્યું હતું કે તેણે તેના સુપરહિટ ગેમિંગ પ્રોડક્ટ પ્લેસ્ટેશન 5 (PS5) ના ભાવમાં 25 ટકા સુધીનો વધારો કરવાનો કડક નિર્ણય લીધો છે. આ ભાવ વધારો યુરોપ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિત પસંદગીના વૈશ્વિક બજારો માટે કરવામાં આવ્યો છે.

જાપાની કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ઊંચા ફુગાવા અને અસ્થિર વિનિમય દરો સહિતના પડકારજનક આર્થિક વાતાવરણ વચ્ચે, SIE એ પ્લેસ્ટેશન 5 કન્સોલની ભલામણ કરેલ છૂટક કિંમત (RRP) વધારવાનો કઠિન નિર્ણય લીધો છે.

ફક્ત ડિજિટલ આવૃત્તિ માટે વધારો

જોકે, સોનીએ કહ્યું કે પ્લેસ્ટેશન 5 ની કિંમતમાં વધારો ફક્ત ડિજિટલ એડિશન માટે છે, કેટલાક દેશોમાં કન્સોલ માટે નહીં. PS5 ડિજિટલ એડિશન એ કન્સોલનું નાનું વર્ઝન છે જે ડિસ્ક ડ્રાઇવ વિના આવે છે. સોનીએ જણાવ્યું હતું કે પ્લેસ્ટેશનના ભાવમાં વધારો હાલ પૂરતો ફક્ત પસંદગીના બજારોમાં જ લાગુ કરવામાં આવશે. આમાં યુરોપ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના બજારોનો સમાવેશ થાય છે.

મધ્ય પૂર્વ અને આફ્રિકાના પસંદગીના બજારો પણ PS5 ના ભાવ વધારાથી પ્રભાવિત થશે. જાપાની કંપનીની પ્રેસ રિલીઝ અનુસાર, સોની PS5 ની નવી કિંમતો સોમવાર, 14 એપ્રિલથી અમલમાં આવશે.

પ્લેસ્ટેશન 5 ની નવી કિંમત શું છે?

સોનીએ પ્લેસ્ટેશનના ભાવમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. યુરોપમાં, પ્લેસ્ટેશન 5 ડિજિટલ એડિશન હવે €499.99 માં વેચાશે. યુકેમાં, PS5 ડિજિટલ એડિશનની કિંમત વધીને £429.99 થઈ ગઈ છે.

બંને બજારોમાં અલ્ટ્રા એચડી બ્લુ-રે ડિસ્ક ડ્રાઇવ સાથે સ્ટાન્ડર્ડ PS5 ની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયામાં, અલ્ટ્રા એચડી બ્લુ-રે ડિસ્ક ડ્રાઇવ સાથેના સ્ટાન્ડર્ડ PS5 ની કિંમત ઘટાડીને AUD $829.95 કરવામાં આવી છે, જ્યારે PS5 ડિજિટલ એડિશનની કિંમત AUD $749.95 હશે.

ભારતમાં કિંમત શું છે?

સોની પ્લેસ્ટેશનના ભાવમાં વધારાનો હાલમાં ભારત પર કોઈ પ્રભાવ નથી. ભારતમાં, PS5 ડિજિટલ એડિશનની કિંમત ₹44,990 છે, જ્યારે સ્ટાન્ડર્ડ પ્લેસ્ટેશન 5 ની કિંમત ₹54,990 છે. તમે સોની PS5 ને એમેઝોન, ફ્લિપકાર્ટ, બ્લિંકિટ અને સોની સેન્ટર જેવા ઓનલાઈન રિટેલર્સ પાસેથી ખરીદી શકો છો.

 

(8:38 PM IST)