હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિકસિત ભારતના નિર્માણ માટે ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ભાર મૂકી ટેકનોલોજીથી કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે - વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર
નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રીએ પ્રથમ દિવસે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરી જનતાને સમર્પિત કર્યા : દત્તક લીધેલા ગામોની મુલાકાત લઈ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું

રાજપીપળા: ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકાર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધાર્યા છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેમણે MPLADS અંતર્ગત દત્તક લીધેલા ગામોની મુલાકાત લીધી હતી. તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી ભાઈ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ અગર ગામ, ગરૂડેશ્વર તાલુકાના આમદલા અને જેતપુર (વઘ.) ગામની મુલાકાત લઈ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એમ્બ્યુલન્સ, સક્ષમ સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમ તેમજ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે જવાહર નવોદય વિદ્યાલય-કેવડિયા કોલોનીના ટ્રાન્સપોર્ટ વિહીકલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકારે જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી ગુજરાતનું રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરવા સાથે વડાપ્રધાન ભાઈ દ્વારા નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી મળતા તેઓ વારંવાર અહીં આવીને લોકોની સુખાકારી માટેના વિકાસ કાર્યો કરે છે અને તેમની મુશ્કેલીઓ સાંભળીને દૂર કરવાના પ્રયત્નો કરે છે. MPLADS હેઠળના ગામોમાં વિકાસના કામો થકી નાગરિકોને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય, આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે મળે તે માટે આરોગ્ય મંદિર (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર), નાના બાળકો માટે આંગણવાડી, બાળકોના શિક્ષણનો પાયો મજબૂત થાય તે માટે સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ હોય તો બાળકોને શાળામાં જવા માટે ઉત્સાહ વધે તેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે બાળકોને સ્માર્ટ બોર્ડ પર અભ્યાસ કરતા અને જાતે પ્રવૃત્તિ કરતા જોઈને તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
વધુમાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ગામલોકોને એસેટ આપશે પરંતુ લોકો તેનો યોગ્ય ઉપયોગ કરે તે પણ એટલું જ જરૂરી છે. બાળકોને પણ તેનો ફાયદો થાય તેવી રીતે લોકભાગીદારીથી સૌ સાથે મળીને કામ કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ખાસ ભાર મૂકી ટેકનોલોજીના સમન્વયથી બાળકોના કૌશલ્યનું ક્ષમતા વર્ધન કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
વિદેશ મંત્રીએ તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અગર ગામે પહોંચી એલ.ડી.આર. બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું. સાથે જવાહર નવોદય વિદ્યાલય કેવડિયા કોલોનીને ફાળવાયેલા ટ્રાન્સપોર્ટ વિહિકલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી ભાઈએ ગરૂડેશ્વર ખાતે અંદાજે 71 એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા હોસ્પિટાલિટી પ્રોજેક્ટ અને ખડગદા પાસે નિર્માણાધિન ટ્રાયબલ મ્યુઝિયમ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી બંને પ્રોજેક્ટ અંગેની વિગતવાર માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી.
વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક પ્રકારના પ્રકલ્પો અને સુવિધાઓ ઊભી કરાઇ રહી છે, ત્યારે હાલમાં જ નિર્માણ પામેલા સ્માર્ટ બસ સ્ટેન્ડનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ એકતાનગરના મિયાંવાકી ફોરેસ્ટની મુલાકાત લીધી હતી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર વાગડિયા ગામમાં નિર્માણાધીન ટાટા ગ્રુપના હોટલ પ્રોજેક્ટની કામગીરી નિહાળી હતી.
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા ભાઈ અને નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ ભાઈએ તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રીએ અધિકારીઓ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની વિગતવાર જાણકારી મેળવી અત્યંત આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને વિઝિટર બુકમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. SOUની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે નિખાલસતાથી હળવા મૂડમાં ચર્ચા પણ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
