<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

દારુલ ઉલૂમે એડમિશન માટે નવી ગાઈડલાઈન જાહેર કરી : આ વિદ્યાર્થીઓએ આપવું પડશે પ્રમાણપત્ર : ગુપ્તચર વિભાગ કરશે તપાસ

સરહદી રાજ્યોના વિદ્યાર્થીઓ માટે મૂળ નિવાસી પ્રમાણપત્ર અને સોગંદનામું ફરજિયાત : ખોટા દસ્તાવેજો રજૂ કરનાર સામે કાયદેસરની કરાશે કાર્યવાહી

દેવબંદ: વિશ્વ વિખ્યાત ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલૂમ દેવબંદે વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવા વિદ્યાર્થીઓના સંસ્થામાં પ્રવેશને લઈને નિયમો વધુ કડક કર્યા છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા ઇચ્છુક નવા વિદ્યાર્થીઓએ તેમના જરૂરી દસ્તાવેજોની સાથે તેમના પિતાનું આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે. આ તમામ સંબંધિત દસ્તાવેજો સંસ્થા દ્વારા ગુપ્તચર વિભાગ પાસે તપાસ માટે મોકલવામાં આવશે.

દારુલ ઉલૂમ દેવબંદના શિક્ષણ વિભાગના કાર્યકારી પ્રભારી મૌલાના નસીમ બારાબંકવીએ સોમવારે આ અંગેની નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દારુલ ઉલૂમ દેવબંદની પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે તમામ નવા વિદ્યાર્થીઓ માટે પોતાનું અને પોતાના પિતાનું આધાર કાર્ડ અને મોબાઇલ નંબર ફરજિયાતપણે જમા કરાવવું જરૂરી છે.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ પોતાનું જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, વોટર આઈડી કાર્ડની સાથે સાથે પોતાના પહેલા મદરેસાનું પ્રમાણપત્ર અને માર્કશીટ પણ અવશ્ય આપવાના રહેશે. ખાસ કરીને સરહદી રાજ્યો જેવા કે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, મણિપુર, ત્રિપુરા, આસામ વગેરેના વિદ્યાર્થીઓએ પોતાનું મૂળ નિવાસી પ્રમાણપત્ર અને સોગંદનામું પણ સાથે લાવવાનું રહેશે.

સંસ્થાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે વિદ્યાર્થીઓ આ તમામ જરૂરી દસ્તાવેજો જમા નહીં કરાવે, તેમને સંસ્થામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી દ્વારા જમા કરાવવામાં આવેલી આઈડીની ફોટોકોપીની તપાસ ગુપ્તચર વિભાગ દ્વારા કરવામાં આવશે. જો આઈડી ખોટી સાબિત થશે તો સંબંધિત વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દારુલ ઉલૂમ દેવબંદનો આ નિર્ણય સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાના હેતુથી લેવામાં આવ્યો છે.

 

(9:48 PM IST)