<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સલમાન ખાનને મારી નાખવાની ધમકીમાં ગુજરાત કનેક્શન: વડોદરાના વાઘોડિયાના વ્યક્તિએ ધમકી આપ્યાનો ખુલાસો

વડોદરાના વાઘોડિયાના રવાલ ગામેથી કરવામાં આવ્યો હતો ધમકીનો મેસેજ: 26 વર્ષીય યુવકને વર્લી પોલીસમાં હાજર થવા કહેણ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રવિવારે રાત્રે મુંબઈ ટ્રાફિક પોલીસને આ સંદેશ મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.

  મુંબઈ પોલીસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર એક સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં એક અજાણ્યા વ્યક્તિએ અભિનેતાની કારને ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને માર મારવાની ધમકી આપી હતી. આ પછી, ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમમાં તૈનાત અધિકારીએ વર્લી પોલીસને આ બાબતની જાણ કરી

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, FIR પછી, જે નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો તે નંબર ટ્રેસ કરવામાં આવ્યો ત્યારે તે ગુજરાતના વડોદરાનો હોવાનું બહાર આવ્યું. આ નંબર એક 26 વર્ષીય યુવકનો છે, જેને તપાસ માટે નોટિસ મોકલવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેને 2-3 દિવસમાં વર્લી પોલીસ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે.

૫૯ વર્ષીય અભિનેતાને તેમના પર નિશાન સાધતા અનેક ધમકીભર્યા સંદેશાઓ મળ્યા છે. બે વર્ષમાં તેમને મળેલી આ પાંચમી ધમકી છે. ગયા વર્ષે 14 એપ્રિલે સલમાન ખાનના એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયો હતો. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી. ખાનને અગાઉ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. બિશ્નોઈ હત્યાના પ્રયાસ અને ખંડણી સહિતના અનેક કેસોમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ગોળીબારના થોડા અઠવાડિયા પછી, મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે બિશ્નોઈ ગેંગે ખાનને મુંબઈ નજીક પનવેલમાં તેના ફાર્મહાઉસની મુલાકાત લેતા મારવાનું કાવતરું ઘડ્યું હતું.

  વર્ષ 2023 માં લોરેન્સ ગેંગ તરફથી ધમકીઓ મળ્યા બાદ જ સલમાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે તેમને Y-પ્લસ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. આમાં, લગભગ 11 સૈનિકો હંમેશા સાથે રહે છે. સલમાનની કારને આગળ અને પાછળ એસ્કોર્ટ કરવા માટે બે વાહનો છે. તેમની કાર પણ બુલેટપ્રૂફ છે. ગયા વર્ષે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલા ગોળીબાર બાદ જાન્યુઆરીમાં સલમાનના એપાર્ટમેન્ટની બાલ્કનીને બુલેટપ્રૂફ બનાવવામાં આવી હતી.

(12:08 AM IST)