<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મધ્ય પ્રદેશનાં મોરેનામાં ડો. આંબેડકરની શોભાયાત્રામાં મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે હિંસક અથડામણ : ફાયરિંગમાં એકનું મોત

યુવકો વચ્ચે બોલાચાલી બાદ પરિસ્થિતિ વણસી : ગામમાં તણાવ : પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો : તપાસ શરૂ

મોરેના: મધ્ય પ્રદેશના મોરેનાના જગમોહન કા પુરા ગામમાં ડો. આંબેડકર જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ એટલો વણસ્યો કે કેટલાક યુવકોએ ફાયરિંગ કરી દીધું, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગામમાં તણાવપૂર્ણ માહોલ છવાઈ ગયો છે.

હિંગૌના પંચાયતમાં ડો. ભીમરાવ આંબેડકર જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે જગમોહન કા પુરામાં સાઉન્ડ સિસ્ટમ પર ગીતો વાગી રહ્યા હતા અને યુવકો નાચી રહ્યા હતા. તે સમયે કેટલાક યુવકો ત્યાં પહોંચ્યા અને રાત થઈ ગઈ હોવાનું જણાવીને અવાજ ઓછો કરવાનું કહ્યું હતું. આ વાતને લઈને બોલાચાલી શરૂ થઈ હતી, જે ટૂંક સમયમાં જ હિંસક અથડામણમાં પરિણમી હતી.

વિવાદ વધતાં બેથી ત્રણ યુવકોએ કટ્ટા કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પાંચથી છ રાઉન્ડ ફાયરિંગમાં ચમકુ જાટવના પુત્ર સંજય જાટવના માથામાં ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે શ્રીપતિ જાટવના ૨૦ વર્ષીય પુત્ર રાનુ જાટવને હાથમાં ગોળી વાગી હતી, જેને રાત્રે ૧૦ વાગ્યે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ગ્વાલિયર રીફર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્રીજા યુવકને છર્રા વાગવાથી સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ફાયરિંગની ઘટના બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સિવિલ લાઇન પોલીસ તાત્કાલિક ગામમાં પહોંચી હતી. સંજયના મૃતદેહને મોડી રાત સુધી ગામમાં જ રાખવામાં આવ્યો હતો, જેને હટાવવામાં પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તી રહી છે અને ઘાયલોએ હોસ્પિટલમાં કેટલાક યુવકો પર ફાયરિંગ કરવાનો સીધો આરોપ લગાવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ચંબલ વિસ્તારમાં બનેલી આ ઘટના રાજકીય રંગ પણ લઈ શકે છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દીધી છે.

(12:36 AM IST)