<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

UCC લાગુ કરવા આગળ વધતી સરકારઃ સમિતિએ અભિપ્રાયો મેળવ્‍યા

ગુજરાતમાં અમલ થાય તો સમાન નાગરિક ધારાનો અમલ કરનાર દેશનું બીજું રાજય બનશે :સમિતિ હવે સરકારને અભિપ્રાયો આધારિત અહેવાલ આપશેઃ અહેવાલ બાદ રાજય સરકાર નિર્ણય કરશે

રાજકોટ તા. ૧પઃ ગુજરાતમાં યુનિફોર્મ સિવીલ કોડ (સમાન નાગરિક ધારો) લાગુ કરવા માટે રાજય સરકારે રચેલી સમિતિએ જુદા જુદા સ્‍થળોએ જઇને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પાસેથી અભિપ્રાયો લેવાનું કામ પૂર્ણ કર્યાનું અહેવાલ ટુંક સમયમાં તૈયાર કરી સરકારને સુપ્રત કરશે તેમ જાણવા મળે છે. સમિતિના અહેવાલના આધારે સરકાર આખરી નિર્ણય કરશે ર મહિના પહેલા સરકારે ૪પ દિવસની મુદત સાથે અભિપ્રાય સમિતિની જાહેરાત કરી હતી. તમામ નાગરિકોને સમાન હકક આપવા માટે સરકાર નવો કાયદો લાગુ કરવા માંગતી હોવાનો દાવો કર્યો છે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલએ જે તે વખતે જાહેરાત કરતા જણાવેલ કે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્‍યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા કમિટીની રચના કરશવામાં આવી છે. ‘‘રાજયમાં વસતા તમામ નાગરિકોને સમાન હકક મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાત વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સંકલ્‍પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે.'' સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્‍યાયાધીશ રંજના દેસાઇની અધ્‍યક્ષતામાં પાંચ સભ્‍યોની કમિટીની રચના કરી છે.

ગુજરાત સરકારે બનાવેલી કમિટીમાં સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્‍યાયાધીશ રંજના દેસાઇ, સિનિયર વકીલ આર. સી. કોડેકર, નિવૃત્ત વરિષ્‍ઠ આઇએએસ અધિકારી એલ. સી. મીણા, ભૂતપૂર્વ વાઇસ ચાન્‍સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થાય છે. જો ગુજરાતમાં યુસીસીનો અમલ થાય તો આવો અમલ કરનારા ઉતરાખંડ પછીનું બીજું રાજય બનશે.

(2:49 PM IST)