<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ભારતની મેન્યુફેકચરીંગ ટેલેન્ટથી દૂનિયા વાકેફ છેઃ મનસુખભાઇ માંડવીયા

નવી દિલ્‍હી ખાતે આયોજીત એકસ્‍પોમાં કેન્‍દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા અને સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ મુલાકાત લીધી

રાજકોટઃ નવી દિલ્‍હીના યશોભૂમિ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે આયોજિત વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍ઝિબિશનના બીજા દિવસે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા એ અનેકવિધ સ્‍ટોલની મુલાકાત લઇ અનેક પ્રોડક્‍ટની બારીકાઈથી માહિતી પણ મેળવી હતી. આ સાથે તેઓએ અનેક ફોરેન ડેલીગેટ્‍સ સાથે ચર્ચા કરી હતી.

દેશના સૌથી મોટા બિલ્‍ડિંગ મટીરીયલ અને કન્‍સ્‍ટ્રક્‍શન એક્‍સપો બ્‍લુઝોન પ્રસ્‍તુત ‘‘વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન - ૨૦૨૫'' નવી દિલ્‍હીના યશોભૂમિ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે ચાલી રહ્યો છે. આ એક્‍સપોમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન ડિરેકટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્‍દ્રભાઈ કથીરિયા, વાયબ્રન્‍ટ બિલ્‍ડકોનના ગ્‍લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય, કેપેક્‍સિલના અધ્‍યક્ષ રમેશ મિત્તલ, કેપેક્‍સિલના વાઇસ ચેરમેન અને મેમ્‍બર બોર્ડ ઓફ ટ્રેડ (ભારત સરકાર)ના મેમ્‍બર નિલેશ જેતપરિયા, કેપેક્‍સિલના પ્રદેશ કમિટી મેમ્‍બર નરેન્‍દ્ર સંઘાત અને બ્‍લ્‍યુઝોનના મેનેજિંગ ડિરેકટર મનોજભાઈ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.''

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્‍યું કે દેશમાં બિલ્‍ડીંગ મટિરિયલ્‍સની તમામ પ્રોડક્‍ટને સાંકળીને એક છત્ર હેઠળ પ્રદર્શિત કરવાનો આ પ્રથમવાર પ્રયાસ કરવામાં આવ્‍યો છે. હું શરૂઆતથી આયોજકોના સંપર્કમાં હતો. તેઓએ તૈયારીઓમાં અનેક મુશ્‍કેલીઓ અનેક અગવડતાઓ વેઠી છે. છતા તેઓએ અડીખમ રહી એક્‍સપો યોજવાનું સાહસ કર્યું તે અભિનંદનને પાત્ર છે. વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍સપો દર વર્ષે થવો જોઈએ. દુબઇ, સેન્‍ટપીટર્સબર્ગની જેમ અહીં પણ રૂટિન આવા એક્‍સપો થાય તો સિરામિક, હાર્ડવેર, સિમેન્‍ટ, સેનેટરી જેવા ઉદ્યોગોને ગ્‍લોબલ માર્કેટ વધુ પ્રમાણમાં મળશે અને વેપાર વધશે. કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યું કે આ એક્‍સપોમાં દુનિયાભરમાંથી એવા બાયર્સ સિલેક્‍ટ કરવામાં આવ્‍યા છે જેને કયારેય ભારતથી માલ ખરીદ્યો નથી. આમ તો બાયર્સનું ૩૦થી ૩૫ હજારનું લિસ્‍ટ હતું. જેમાંથી માત્ર સિલેકટેડ ૬૦૦થી ૭૦૦ જેટલા બાયર્સને જ આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. જે કંપનીઓ ભારતમાંથી માલ ખરીદતી નથી તે ભારતમાં આ એક્‍સપોમાં આવી છે. તેઓ આપણી ક્‍વોલિટી અને પ્રાઈઝ બન્નેમાં બેસ્‍ટ પ્રોડક્‍ટ જોઈ રહ્યા છે. આ એક્‍સપો ભારતના ઉદ્યોગોને નવું માર્કેટ આપશે.

ભારતના મેન્‍યુફેક્‍ચરિંગ ટેલેન્‍ટથી દુનિયા વાકેફ છે. ભારત આજે ક્‍વોલિટી અને પ્રાઈઝ બન્નેમાં ચેલેન્‍જ કરી શકે તેવી પ્રોડક્‍ટ બનાવે છે. બસ આવા એક્‍સપોની જરૂર છે. હવે વાયબ્રન્‍ટ એક્‍સપોની સેકન્‍ડ એડિશન આનાથી ઘણી મોટી હશે.

એક્‍સપો આપણી જૂની પરંપરા છે, આનાથી અનેક ફાયદાઃ પરસોત્તમભાઈ રૂપાલા

વાયબ્રન્‍ટ બિલ્‍ડલોન એક્‍સપોની  મુલાકાત પ્રસંગે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવેલ કે એક્‍સપો તો આપણા દેશની જૂની પરંપરા છે. પહેલા કબીલા હતા ત્‍યારે વણઝારાઓ વસ્‍તુઓ વેચવા એક જગ્‍યાએ મુકામ કરતા અને લોકોને એક જ જગ્‍યાએથી બધી વસ્‍તુઓ મળી જતી હતી. આમ એક્‍સપો નામ નવું છે પણ આપણી જ જૂની પરંપરા છે. વધુમાં તેઓએ જણાવ્‍યું કે આ એક્‍સપોમાં મેન્‍યુફેક્‍ચર્સ, ટ્રેડર્સ અને ગ્રાહકને એક પ્‍લેટફોર્મ ઉપર લાવે છે અને વેપારના સંજોગોને ઉજળા બનાવે છે. એક્‍સપોમાં ભાગ લેનારાઓને એક્‍સપોમાં પ્રોડક્‍ટ જોઈ માર્કેટમાં શુ ચાલી રહ્યું છે તે જોઈને પોતાની પ્રોડક્‍ટમાં સુધારા કરવાની તક મળે છે.

નવી દિલ્‍હીમાં સિરામિક ઉદ્યોગના સ્‍ટોલ જોઈને ગૌરવની અનુભૂતિઃ  મોહનભાઈ કુંડારિયા

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ  જણાવ્‍યું કે અહીં મોરબીના સિરામિક ઉદ્યોગોના ૪૦થી વધુ સ્‍ટોલ છે. મોટી સંખ્‍યામાં વિદેશી ડેલીગેટ્‍સ અને ડોમેસ્‍ટિક બાયર્સ આવી રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગોના સ્‍ટોલની વિઝિટ લઈને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. મોરબી કયારેય પાછળ રહેતું નથી. આ ભવ્‍ય એક્‍સપોમાં સિરામિક ઉદ્યોગોએ આકર્ષણ જગાવ્‍યું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ૨૦૦થી વધુ દેશોમાં માલની નિકાસ કરી રહ્યો છે. ત્‍યારે હજુ પણ વેપાર વધતો રહે તેવી શુભકામનાઓ પાઠવું છું.(૩૮.૨૪)

વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍સપોમાં રશિયન ડેલીગેશન સાથે બે એમઓયું

રાજકોટઃ વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍સપો માટે રશિયાનું ૧.૦૨ લાખ જેટલી કંપનીઓનું સંગઠન NOSTROY ખૂબ રસ ધરાવતું હતું. સંગઠનની ખાનગી કંપનીઓ અને ગવર્મેન્‍ટના પ્રતિનિધિ ૧૫ દિવસ પૂર્વે એક્‍ઝિબિશનના ડિરેક્‍ટર્સને મળવા આવ્‍યા હતા. તેઓને આ એક્‍સપોથી ખૂબ મોટી અપેક્ષા હતી. એક્‍સપોના બીજે દિવસે આ રશિયન ડેલીગેશને લર્નેટ સ્‍કિલ્‍સ અને NSDC સાથે એમઓયું સાઈન કર્યા છે. જેમાં રશિયામાં અત્‍યારે કન્‍સ્‍ટ્રકશન ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ૧૦ લાખ જેટલા કર્મચારીઓની ખાધ છે. ભારતથી ૧ લાખ લોકોને જરૂરિયાત પ્રમાણેની સ્‍કિલ ડેવલોપ કરવા માટે આ એમઓયું થયા છે. આ બન્ને સંસ્‍થા વર્ષે રશિયા જવા ઇચ્‍છુક એક લાખ ભારતીયોને ટ્રેનિંગ આપશે. વધુમાં બીજો એમઓયું ઇન્‍ડિયન બાથવેર મેન્‍યુફેક્‍ચરિંગ એસોસિએશનના પ્રમુખ અને ઝેન ફિટિંગ્‍સના મેનેજીંગ ડિરેકટર અજિત ગર્ગ સાથે થયો છે. જેમાં તેમની કંપનીએ રશિયન ડેલીગેટ્‍સની જરૂરિયાત મુજબ સ્‍ટીલ અને બ્રાસના બાથ ફિટિંગ્‍સ મટિરિયલ્‍સ પ્રોવાઇડ કરવાના રહેશે.(૩૮.૨૪)

એક્‍સપોમાં અવનવી પ્રોડક્‍ટસ ઉપર ફોરેન ડેલીગેટ્‍સ પ્રભાવિત

રાજકોટઃ વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍સપોમાં ફોરેન ડેલીગેટ્‍સ અનવની પ્રોડક્‍ટસ જોઈને પ્રભાવિત થયા હોવાનું જણાવાયું છે. અંગોલા ઇન્‍ડિયા ચેમ્‍બર ઓફ કોમર્સ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ કાએટાનો કેપિટોએ જણાવ્‍યું કે આ પ્રકારના એક્‍સપોથી ધંધાકીય સંબંધો સારા થાય છે. અહીં આવવાથી અંગોલાનાં બાયર્સને ઘણી બધી નવી વસ્‍તુઓ જોવા મળે છે. ઘણી બધા ઉદ્યોગપતિઓને મળવાનો અને વ્‍યાપારી સંબંધો કેળવવાનો મોકો મળે છે. આવા એક્‍સપોથી એકસપોર્ટ- ઇમ્‍પોર્ટ સારું બની શકે. રોમાનીયાના ડેલ્‍ટા સ્‍ટુડિયોના સીઈઓ ટુડોર કાર્ટીઆનુએ જણાવ્‍યું કે વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍ઝિબિશનમાં હું સેનેટરી વેર અને સિરામિક ટાઇલ્‍સ જોવા આવ્‍યો છું. ટાઇલ્‍સની ખરીદી માટે ઘણી વખત મોરબી આવ્‍યો છું. મોરબીની ટાઇલ્‍સની ક્‍વોલિટી સારી હોય છે. મે ઘણા સિરામિક ટાઇલ્‍સના સ્‍ટોલની વિઝિટ કરી છે. બેહરિનની એરપ્રો કંપનીના ડિરેકટર સૈયદ હાશમીએ જણાવ્‍યુ કે હું છેલ્લા ઘણા મહિનાથી વાયબ્રન્‍ટ બિલ્‍ડકોન એક્‍સપોની ટિમ સામે કનેક્‍ટ છું. ટીમે ખૂબ સારી સર્વિસ આપી છે. કવીક રિસ્‍પોન્‍સ આપ્‍યો છે. આ એક્‍સપોમાં અનેક નવી પ્રોડક્‍ટ જોવા મળી છે

(3:39 PM IST)