News of Wednesday, 16th April 2025
બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડી તો ગર્લફ્રેન્ડે હાથ-પગ તોડાવી નાખ્યાઃ ૧૭ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે છોકરો
હરિયાણામાંથી એક ખતરનાક લવ સ્ટોરી સામે આવી : ધોકા, સળિયા અને ચાકૂથી ખરાબ રીતે માર્યો, જેનાથી હાથ અને પગ તૂટી ગયા, જેમાં ૧૩ જગ્યાએ ફ્રેક્ચર થઈ ગયું. અધમરી હાલતમાં રસ્તા પર તેને છોડીને ફરાર થઈ ગયા

ફરીદાબાદ તા.૧૬: હરિયાણામાંથી એક ખતરનાક લવ સ્ટોરી સામે આવી છે. જ્યાં લગ્ન કરવાની ના પાડતા ગર્લફ્રેન્ડે કથિત રીતે પોતાના પ્રેમી ગુલશન બજરંગી પર હુમલો કરાવ્યો અને તેને ૧૩ ફ્રેક્ચર આવ્યા. છેલ્લા ૧૭ દિવસથી તે હોસ્પિટલમાં દાખલ છે. તેના બંને હાથ અને પગ તોડી નાખ્યા છે. પોલીસે આ મામલામાં મુખ્ય આરોપી ગર્લફ્રેન્ડના ભાઈ અમિત અને તેના સાથી કમલ ઉર્ફ મન્નૂ બગ્ગીની ધરપકડ કરી લીધી છે. પીડિત ગુલશન બજરંગીએ જણાવ્યું કે, ૨૦૧૯માં તે મોબાઈલની દુકાન ચલાવતો હતો. આ દુકાન પર મહિલા પોતાનો ફોન ઠીક કરાવવા આવી હતી, જે એનઆઈટી ફરીદાબાદની રહેવાસી હતી.
ધીમે ધીમે બંને વચ્ચે ઓળખાણ વધી અને પછી પ્રેમ થયો. મહિલા પોતાના પતિથી છૂટાછેડા લેવા જઈ રહી હતી અને તેને એક ૧૦ વર્ષની દીકરી પણ છે. તો વળી ગુલશન ૨૦૧૫માં પરણેલો છે અને તેને ત્રણ બાળકો પણ છે. જોકે તે પોતાની પત્ની અને બાળકોથી અલગ રહેતો હતો. ગુલશને જણાવ્યું કે, પ્રેમ વધ્યો તો મહિલા સાથે લિવ ઈન પાર્ટનરમાં રહેવા લાગ્યો. આ દરમિયાન મહિલાને થોડા રૂપિયા પણ આપ્યા હતા. થોડા સમય બાદ મહિલાએ તેના પર લગ્નનું પ્રેશર કર્યું. ગુલશને લગ્ન કરવાની ના પાડી દીધી, તો મહિલા નારાજ થઈ ગઈ.
ગુલશન બજરંગીએ જણાવ્યું કે, ૨૯ માર્ચના રોજ મહિલાને આપેલા ૨૧.૫ લાખ રૂપિયા પાછા માગી લીધા. તે જ્યારે પૈસા લેવા તેના ઘરે ગયો તો મહિલાના માતા-પિતાએ તેની સાથે મારપીટ કરી. ગુલશન જેમ તેમ કરી ત્યાંથી બચીને નીકળી ગયો. ત્યાર બાદ મહિલાના ભાઈ અમિતે તેને ફોન કર્યો અને કહ્યું કે, તે ઘરે આવીને પૈસા લઈ જાય અને હવે કોઈ મારપીટ નહીં કરે. ગુલશને અમિતની વાત પર વિશ્વાસ કરી પૈસા લેવા જતો રહ્યો. જેવો તે મહિલાના ઘર નજીક પહોંચ્યો કે શેરીની બહાર અમુક બદમાશોએ તેના પર હુમલો કરી દીધો. જેમાં મહિલાનો ભાઈ અમિત અને તેના સંબંધીઓ હતા.
આરોપ છે કે, આરોપીઓએ ગુલશન પર ધોકા, સળિયા અને ચાકૂથી ખરાબ રીતે માર્યો, જેનાથી તેના હાથ અને પગ તૂટી ગયા, જેમાં ૧૩ જગ્યાએ ફ્રેક્ચર થઈ ગયું. અધમરી હાલતમાં રસ્તા પર તેને છોડીને ફરાર થઈ ગયા. રાહદારીઓએ પોલીસને સૂચના આપી, જે બાદ ગુલશનને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. આ બાજુ પોલીસે જણાવ્યું કે, પીડિતની ફરિયાદ પર મહિલાના ભાઈ અમિત, પિતા મનીષ હન્ની, કમલ ઉર્ફ મન્નૂ બગ્ગી અને અન્ય અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને મુખ્ય આરોપી અમિત અને તેના સાથી કમલ ઉર્ફ મન્નૂ બગ્ગીની ધરપકડ કરી લીધી. અન્ય આરોપીઓને શોધવાનું ચાલુ છે. ઘાયલ ગુલશનની સારવાર ફરીદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.(૩૮.૪)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
