<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

રાહુલ ગાંધીનો ગુજરાતમાં ભાજપ પર આકરો પ્રહાર : ‘અંદરોની લડાઈ નહીં, મુખ્ય લડાઈ ભાજપ સાથે, ભાજપમાં ભળેલા નેતાઓની યાદી તૈયાર થશે’ - રાહુલ ગાંધી : કોંગ્રેસને ગ્રાઉન્ડ લેવલથી મજબૂત કરવાનો નિર્ધાર : કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ

જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે નવી પ્રક્રિયા : અમદાવાદમાં નિરીક્ષકો સાથે બેઠક : 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક : મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો શુભારંભ : બૂથ કાર્યકરો સાથે સંવાદ

અમદાવાદ, 16 એપ્રિલ 2025: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ સૂચના આપી કે, “આપણી મુખ્ય લડાઈ ભાજપ સાથે છે, અંદરોની લડાઈ નહીં. ભાજપમાં ભળી ગયેલા નેતાઓની યાદી તૈયાર કરવામાં આવશે.” એક અઠવાડિયામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે AICC અને પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે બેઠક યોજી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા અને સંગઠનને મજબૂત કરવાની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આજે બુધવારે રાહુલ ગાંધી મોડાસા પહોંચશે, જ્યાં તેઓ 1200 બૂથ કાર્યકરો સાથે સંવાદ કરશે અને ‘સંગઠન સૃજન અભિયાન’નો શુભારંભ કરશે.

ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવી ઉર્જા આપવા અને ગ્રાઉન્ડ લેવલથી મજબૂત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે મોરચો સંભાળ્યો છે. રાષ્ટ્રીય અધિવેશન બાદ રાહુલ ગાંધીએ ગુજરાત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગઈકાલે બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ સીધા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કચેરીએ પહોંચ્યા હતા. અહીં તેમણે સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક યોજી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવ્યું અને એક પણ વરિષ્ઠ નેતાને સ્ટેજ પર સ્થાન આપ્યું ન હતું, જેનાથી માત્ર હોદ્દા ભોગવતા નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો.

બેઠક દરમિયાન એક નેતાએ સવાલ કર્યો કે, “લગ્ન અને રેસના ઘોડા ક્યારે અલગ તારવશે?” આના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, “ચિંતા ન કરો, જિલ્લા સંગઠનનું માળખું તૈયાર થયા બાદ આ મુદ્દો હાથ ધરાશે.” તેમણે નેતાઓને સ્પષ્ટ સૂચના આપી કે, આંતરિક ઝઘડાઓને બદલે ભાજપ વિરુદ્ધ એકજૂથ થઈને લડવું. આ ઉપરાંત, ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો, જેથી સંગઠનની આંતરિક નબળાઈઓને દૂર કરી શકાય.

કોંગ્રેસે 31 મે, 2025 સુધીમાં જિલ્લા પ્રમુખો અને જિલ્લા કમિટીઓની નિમણૂક પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પાંચ સભ્યોની નિરીક્ષક ટીમ રચવામાં આવશે, જેમાં એક કેન્દ્રીય નિરીક્ષક અને ચાર ગુજરાતના નિરીક્ષકોનો સમાવેશ થશે. આ ટીમને 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લાઓનો પ્રવાસ કરીને સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને સામાન્ય જનતા સાથે સંવાદ કરવાની જવાબદારી સોંપાઈ છે. નિરીક્ષકોને 10 દિવસમાં પોતાનો અહેવાલ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અહેવાલના આધારે જિલ્લા પ્રમુખોની પસંદગી માટે છ દાવેદારોની પેનલ તૈયાર કરાશે, જેમાંથી એક નામ પર કોંગ્રેસ હાઈકમાન્ડ અંતિમ મહોર મારશે. નિરીક્ષકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, પસંદગી પ્રક્રિયામાં મહિલાઓ, SC, ST, OBC અને લઘુમતી સમુદાયોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે સૌથી વધુ સક્ષમ અને સ્વીકૃત નેતાઓની ઓળખ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આજે સવારે રાહુલ ગાંધી મોડાસા પહોંચશે, જ્યાં તેઓ ‘સંગઠન સૃજન અભિયાન’નો ઔપચારિક શુભારંભ કરશે. આ કાર્યક્રમમાં તેઓ 1200 બૂથ કાર્યકરો સાથે સંવાદ કરશે અને ચૂંટણીલક્ષી રણનીતિ પર માર્ગદર્શન આપશે. ખાસ કરીને, મતદારોને મતદાન કેન્દ્રો સુધી લાવવા અને બૂથ લેવલ પર સંગઠનને મજબૂત કરવા માટેની વ્યૂહરચના પર ચર્ચા કરાશે. આ અભિયાન ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવું જોમ અને ઉત્સાહ ભરવાની દિશામાં મહત્વનું પગલું ગણાય છે.

રાહુલ ગાંધીની સક્રિયતા અને હાઈકમાન્ડના કડક વલણને કારણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવી પસંદગી પ્રક્રિયા અને સંગઠન સૃજન અભિયાન દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવા માટે પ્રયાસો તેજ કરી રહી છે. રાહુલ ગાંધીના આ પ્રવાસ અને નિર્ણયો ગુજરાત કોંગ્રેસ માટે નવો અધ્યાય શરૂ કરવાની દિશામાં મહત્વના સાબિત થઈ શકે છે.

 

(10:56 AM IST)