News of Wednesday, 16th April 2025
ભારતીય રેલવેની અનોખી પહેલ : ટ્રેનમાં હવે ખડખડ વહેશે નોટો : જાણો કઈ ટ્રેનમાં શરૂ થઈ ATMની સુવિધા
મુસાફરોની સુવિધામાં વધારો કરતાં ભારતીય રેલવેએ દેશમાં પ્રથમ વખત ટ્રેનની અંદર ATM લગાવ્યું : મંગળવારે પંચવટી એક્સપ્રેસના એસી કોચમાં સફળ ટ્રાયલ : ભુસાવલ મંડળ અને બેંક ઓફ મહારાષ્ટ્રની ભાગીદારીથી શરૂ થયેલી આ સુવિધાથી દોડતી ટ્રેનમાં પણ મુસાફરો પૈસા ઉપાડી શકશે

મુંબઈ: જો તમે પણ અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સતત નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે રેલવે ટૂંક સમયમાં ટ્રેનની અંદર ATMની સુવિધા આપવા જઈ રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા દેશમાં પહેલીવાર ટ્રેનની અંદર ATM લગાવવામાં આવ્યું છે. આ ATMનું મંગળવારે સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ATM પંચવટી એક્સપ્રેસના એક એસી કોચમાં લગાવવામાં આવ્યું હતું. આ ટ્રેન નાસિકના મનમાડ અને મુંબઈ વચ્ચે દરરોજ ચાલે છે.
ભારતીય રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે ટ્રાયલ સફળ રહ્યો છે. રસ્તામાં અમુક જગ્યાઓને છોડીને બાકીની તમામ જગ્યાએ ATMએ યોગ્ય રીતે કામ કર્યું. જ્યારે ટ્રેન ઇગતપુરી અને કસારા વચ્ચે એવા વિસ્તારમાંથી પસાર થઈ જ્યાં નેટવર્ક નહોતું અને ત્યાં કેટલીક સુરંગો પણ છે, ત્યારે મશીનનું સિગ્નલ જતું રહ્યું હતું. ભુસાવલના મંડળ રેલ પ્રબંધક ઇતિ પાંડેએ જણાવ્યું, "લોકોએ આ સુવિધાને પસંદ કરી છે. હવે લોકો ચાલતી ટ્રેનમાં પણ પૈસા ઉપાડી શકશે. અમે મશીનના પ્રદર્શન પર સતત નજર રાખીશું."
ટીઓઆઈમાં પ્રકાશિત સમાચાર અનુસાર, આ ATM રેલવેના ભુસાવલ મંડળ અને બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM) વચ્ચેની ભાગીદારી છે. આ ઇનોવેટિવ એન્ડ નોન-ફેર રેવન્યુ આઇડિયાઝ સ્કીમ (INFRIS) હેઠળ કરવામાં આવ્યું છે. પાંડેએ જણાવ્યું કે ટ્રેનોમાં ATM લગાવવાનો વિચાર પ્રથમ વખત ભુસાવલ મંડળ દ્વારા આયોજિત INFRISની એક મીટિંગ દરમિયાન આવ્યો હતો. આ પ્રસ્તાવ આવતા જ અમે તરત જ તેના પર વાતચીત કરી હતી.
પંચવટી એક્સપ્રેસના મુસાફરોએ આ સુવિધા શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. મશીન એક એસી કોચમાં લગાવવામાં આવ્યું છે, પરંતુ તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે કારણ કે ટ્રેનના તમામ ૨૨ કોચ અંદરથી એકબીજા સાથે જોડાયેલા છે. અન્ય એક પેસેન્જર સંજય ઝાએ કહ્યું કે રેલવે દ્વારા આ સારી પહેલ છે. લોકો હવે મુસાફરી દરમિયાન પૈસા ઉપાડી શકે છે, ચેક બુક ઓર્ડર કરી શકે છે અને સ્ટેટમેન્ટ મેળવી શકે છે. આ ખૂબ જ મદદરૂપ થશે.
સુરક્ષા માટે અધિકારીઓએ જણાવ્યું કે ATM કિયોસ્કને બંધ કરી શકાય છે અને તેની ૨૪ કલાક સીસીટીવી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. પંચવટી એક્સપ્રેસની રેક ૧૨૦૭૧ મુંબઈ-હિંગોલી જનશતાબ્દી એક્સપ્રેસ સાથે પણ શેર કરવામાં આવે છે. તેથી આ મશીન મનમાડ નાસિક રૂટથી આગળ હિંગોલી જનારા મુસાફરો માટે પણ ઉપલબ્ધ રહેશે. બંને ટ્રેનોમાં ત્રણ રેક શેર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે જો ટ્રેનમાં ATM સેવા પસંદ કરવામાં આવે છે તો તેને અન્ય મુખ્ય ટ્રેનોમાં પણ વિસ્તારવામાં આવી શકે છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
