<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

સોનામાં પુનઃ તેજી : ભાવ ૯૭,૭૦૦ રૂા.ની નવી ટોચે

બે દિ' ભાવ ઘટયા બાદ આજે ફરી ૧૦ ગ્રામે ૧૪૦૦ રૂા.નો ઉછાળો : ચાંદીમાં પ૦૦ રૂા. વધતા ભાવ ૯૮,૦૦૦ રૂા. થયા

 રાજકોટ, તા., ૧૬: સોનામાં તેજીને પગલે રોજબરોજ નવી સપાટી જોવા મળી રહી છે.  બે દિ' ભાવો ઘટયા બાદ આજે ફરી તેજીના પગલે ૧૪૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવોએ ૯૭,૭૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં  આજે પુનઃ ૧૪૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.  સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૬,૩૦૦ રૂા. હતા તે વધીને આજે ૯૭,૭૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી.સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૧૪,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૯,૬૩,૦૦૦ રૂા. હતા તે વધીને ૯,૭૭,૦૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

છેલ્લા બે દિવસમાં  સોનામાં ૯૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. અને આજે ફરી ભાવો વધતા સોનાના ભાવોએ ફરી એક વાર નવી સપાટી સર કરી છે. અમેરીકા અને ચીનની ટ્રેડ વોરના પગલે સોનાના ભાવોસળગી રહયાનું અને આગામી દિવસોમાં હજુ પણ નવી ભાવ સપાટી જોવા મળશે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

 ચાંદીમાં પણ પ૦૦ રૂા.નો ભાવવધારો થતા ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯૭,પ૦૦ રૂા. હતા તે વધીને  આજે બપોરે ૯૮,૦૦૦ રૂા. થયા છે. (૪.૨૯)

(2:48 PM IST)