News of Wednesday, 16th April 2025
મ્યુ. કોર્પોરેશનના ઓડિટ ક્લાર્ક રાજુભાઇ ગીડા આઠ વર્ષની ભાણેજને લઇ દિકરાને સ્કૂલે તેડવા જવા નીકળ્યા'તા
ભાણેજ વિરાજબા બોટાદથી વેકેશન કરવા આવી છેઃ ગંભીર ઇજા થતાં સારવારમાં: રાજુભાઇ એક બહેનથી મોટા અને પરિવારનો આધારસ્તંભ હતાં સ્કૂલ ખાતે ૭ વર્ષનો મનવીર પપ્પા તેડવા આવે તેની રાહમાં હતો, પણ પપ્પાને રસ્તામાં ‘કાળ'નું તેડુ આવી ગયું: સત્યમ્ પાર્કના ગીડા પરિવારમાં ગમગીની

રાજકોટઃ ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલા રાજુભાઇ મનુભાઇ ગીડા (ઉ.વ.૩૫) એંસી ફુટ રોડ પર સત્યમ્ પાર્ક-૧માં રહેતાં હતાં અને મ્યુ. કોર્પોરેશનની ઢેબર રોડ પરની કચેરીમાં ઓડીટ ક્લાર્ક તરીકે નોકરી કરતાં હતા. તે એક બહેનથી મોટા હતાં. પત્નિ, પુત્ર, માતા-પિતા સાથે રહેતાં હતાં. તેમને સંતાનમાં સાત વર્ષનો પુત્ર મનવીર છે. જે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રોઝરી સ્કૂલમાં ભણતો હોઇ સવારે તે દિકરાને સ્કૂલેથી તેડવા માટે પોતાના બાઇક પર નીકળ્યા હતાં. સાથે તેની ભાણેજ બોટાદથી આવેલી વિરાજભાઇ મહાવીરસિંહ ખાચર (ઉ.વ.૮) પણ હતી. મામા-ભાણેજ બંને સિગ્નલ ખુલતાં આગળ વધ્યા ત્યાં જ બસે ઉલાળી દીધા હતાં. જેમાં મામા રાજુભાઇનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ભાણેજ વિરાજબાને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. રાજુભાઇ અગાઉ કોર્પોશેનના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં હતાં. હાલમાં તેમની બદલી ઓડિટ વિભાગમાં ક્લાર્ક તરીકે પ્રમોશન સાથે થઇ હતી. એક તરફ દિકરો પપ્પા તેડવા આવે તેની રાહ જોઇ રહ્યો હતો ત્યારે બીજી તરફ રાજુભાઇને રસ્તામાં ‘કાળ'નું તેડુ આવી ગયું હતું. આ બનાવથી ગીડા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૧૨)
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
