News of Wednesday, 16th April 2025
ભારતીય શેરબજારમાં FIIનો મોટો ઉછાળો : આજે ₹3,936.42 કરોડની ખરીદી : DII દ્વારા ₹2,512.77 કરોડનું વેચાણ
એપ્રિલ મહિનામાં વિદેશી રોકાણકારોની સૌથી વધુ ખરીદી : વૈશ્વિક સેન્ટિમેન્ટમાં સુધારાની અસર : ગઈકાલે FII દ્વારા ₹6,065.78 કરોડની જોરદાર ખરીદી : નિષ્ણાતો શોર્ટ કવરિંગની શક્યતા પણ જુએ છે

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ નોંધપાત્ર ખરીદી કરી છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ વેચવાલીનું વલણ દર્શાવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર જાહેર કરાયેલા આજના ડેટા અનુસાર, FII એ આજે રોકડમાં ₹3,936.42 કરોડના શેર ખરીદ્યા છે. બીજી તરફ, DII એ આજે ₹2,512.77 કરોડના શેર વેચ્યા છે.
આજના ટ્રેડિંગ સેશનમાં, FII એ કુલ ₹15,286.90 કરોડના શેર ખરીદ્યા છે અને ₹11,350.48 કરોડના શેર વેચ્યા છે, પરિણામે ચોખ્ખી ખરીદી ₹3,936.42 કરોડ રહી છે. જ્યારે, DII એ આજે ₹11,065.94 કરોડના શેર ખરીદ્યા છે અને ₹13,578.71 કરોડના શેર વેચ્યા છે, પરિણામે ચોખ્ખી વેચવાલી ₹2,512.77 કરોડ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરબજારમાં જોરદાર વાપસી કરી હતી અને એક જ દિવસમાં ₹6,065.78 કરોડની ખરીદી નોંધાવી હતી, જે આ વર્ષની ત્રીજી સૌથી મોટી ખરીદી હતી. અગાઉ, 27 માર્ચે ₹11,111 કરોડ અને 21 માર્ચે ₹7,470 કરોડની ખરીદી નોંધાઈ હતી. જો કે, તે જ દિવસે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ₹1,951.6 કરોડના શેર વેચ્યા હતા.
નિષ્ણાતોના મતે, આ FII રોકાણ એક વખતનું શોર્ટ કવરિંગ પણ હોઈ શકે છે. ઊંચા બજાર મૂલ્યાંકન અને યુએસ-ચીન ટેરિફ યુદ્ધને કારણે, તાજેતરના મહિનાઓમાં FII ભારતમાંથી સતત નાણાં ઉપાડી રહ્યા હતા. ઓક્ટોબર 2024 થી અત્યાર સુધીમાં, FII એ ₹3.47 લાખ કરોડનું વેચાણ કર્યું છે. જો કે, ટ્રમ્પે ટેરિફ પર 90 દિવસની રાહતની જાહેરાત કર્યા પછી, વૈશ્વિક સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે, જેનો ફાયદો ભારત સહિત ઉભરતા બજારોને મળ્યો છે અને તેના કારણે FII ફરીથી ખરીદી તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આમ, આજે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ મોટી ખરીદી કરીને બજારને ટેકો આપ્યો છે, જ્યારે સ્થાનિક રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવી વેચવાલી કરી છે. બજારના નિષ્ણાતો હવે એ જોવાનું રહેશે કે આ ટ્રેન્ડ આગામી દિવસોમાં કેવું વળાંક લે છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
