<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

મોરેનાની જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ : દર્દીઓમાં દોડધામ : ડ્રિપ કાઢીને ભાગ્યા : એકનું મોત!

બર્ન યુનિટ અને સર્જિકલ વોર્ડમાં મોડી રાત્રે અચાનક આગ લાગી : ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો : ઓક્સિજન પર રહેલા દર્દીનું ગભરાટમાં મોત : હોસ્પિટલમાં ભયનો માહોલ : તપાસ શરૂ

મોરેના: મધ્યપ્રદેશના મોરેના જિલ્લાની સરકારી હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલના બર્ન યુનિટ અને સર્જિકલ વોર્ડમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની લપેટો અને ધુમાડો ફેલાતા જ વોર્ડમાં દાખલ દર્દીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોતાના જીવ બચાવવા માટે દર્દીઓ ડ્રિપ અને ઓક્સિજન સિલિન્ડર કાઢીને બહાર દોડવા લાગ્યા હતા. આ દરમિયાન એક દર્દીનું મોત પણ થયું હતું.

ઘટનાની માહિતી મળતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આ દરમિયાન એક દુઃખદ ઘટના પણ બની હતી. હોસ્પિટલના બીજા વોર્ડમાં દાખલ એક દર્દી, જે ઓક્સિજન સપોર્ટ પર હતો, આગ લાગવાની માહિતી સાંભળીને ગભરાઈ ગયો હતો અને વોર્ડમાંથી બહારની તરફ ભાગ્યો હતો. આ દરમિયાન દર્દીનું મોત નીપજ્યું હતું. ઓક્સિજન પર રહેલા દર્દીના મોતથી આ દુર્ઘટના વધુ કરુણ બની ગઈ છે. જો કે, સિવિલ સર્જન આ મૃત્યુને સામાન્ય ગણાવી રહ્યા છે.

આ ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોઈ શકે છે. પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન તાત્કાલિક ઘટનાની તપાસમાં જોડાઈ ગયા છે.

આ ઘટના અંગે મોરેનાના એસડીએમએ જણાવ્યું હતું કે આગ લાગવાની ઘટના દરમિયાન તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. થોડા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ ઓલવવા માટે ફાયર ફાઇટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હોસ્પિટલના કર્મચારીઓ સાથે સહયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણોની તપાસ કરાવવામાં આવશે.

 

(10:28 PM IST)