<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અમારી દીકરીએ સમાજમાં અમારું નાક કપાવ્‍યું, આજથી તમામ સંબંધો હવે ખતમઃ લાડકી દીકરી પ્રેમી સાથે ભાગી જતાં પરિવારે બારમું કર્યુ

રાજસ્‍થાનના જાલોરમાંથી એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છેઃ જેમાં સમાજ અને પારિવારિક મૂલ્‍યો પર ઊંડા સવાલો ઊભા કરે છે : નજીકના સંબંધમાં પ્રેમ લગ્ન કરનારી યુવતીને તેના પરિવારના લોકોએ મૃત જાહેર કરી દીધી

જાલોર તા.૧૭: રાજસ્‍થાનના જાલોર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં એક યુવતીએ પોતાના નજીકના સંબંધી સાથે પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા, તો પરિવારે તેને મૃત માની લીધી. એટલું જ નહીં, દીકરીની તસવીર રાખીને રસમો અદા કરવામાં આવી અને જાહેરમાં તેઓ દીકરી સાથે સંબંધ તોડવા હોવાની જાહેરાત કરી દીધી. આ ઘટનાનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ મામલો જાલૌર શહેરનો છે. યુવતીના દૂરના મામા અને ફુઆના પરિવાર સાથે જોડાયેલા યુવક સાથે ૨ એપ્રિલના રોજ રાતના સમયે ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારે બીજા દિવસે ૩ એપ્રિલના રોજ પોલીસ સ્‍ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. લગભગ પાંચ દિવસ બાદ બંને પ્રેમી પંખીડા પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા અને લગ્ન કરી લીધા હોવાની વાત જણાવી હતી. સાથે જ તેમણે પોલીસ સુરક્ષાની માગ પણ કરી હતી.

પોલીસની મદદથી બંનેને યુવકના ઘરે મોકલી દીધા. જો કે, યુવતીના પરિવારે જ્‍યારે સમજાવવાની કોશિશ કરી તો દીકરી એકની બે ન થઈ. તેનાથી દુઃખી થયેલા પરિવારે રવિવારના રોજ દીકરીની તસવીર રાખીને બારમું કરી નાખ્‍યું અને જાહેરમાં તેના અંતિમ સંસ્‍કાર જેવું આયોજન કર્યું.

શ્રદ્ધાંજલિ સભા દરમ્‍યાન એક વીડિયો પણ જાહેર કર્યો, જેમાં પરિવારના લોકો કહેતા જણાય છે કે,  આ છોકરીએ સમાજમાં અમારુ નાક કપાવ્‍યું છે, એટલા માટે આજથી અમારા પરિવારને તેની સાથે કોઈ સંબંધ નથી.

હવે આ વીડિયો અને તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોઈ તેને પરિવારની ભાવના સાથે જોડીને જોઈ રહ્યા છે. તો વળી કોઈ આ પરંપરાને અમાનવીય ગણાવી રહ્યા છે. સમાજમાં સંબંધો, પરંપરાઓ અને યુવાન પેઢીના વિચારો વચ્‍ચેનો વિષય ગણાવી રહ્યા છે.(૩૮.૬)

(10:06 AM IST)