<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

‘ભારતીય લોકો કેડબરી જેમ્‍સની જેમ ડોલો ૬૫૦નું સેવન કરી રહ્યા છે'

અમેરિકન ડોક્‍ટરની પોસ્‍ટેથી હોબાળો આ ટેબ્‍લેટ કેટલી ખતરનાક છે? યુએસ સ્‍થિત ગેસ્‍ટ્રોએન્‍ટેરોલોજિસ્‍ટ ડો. પલાનીઅપ્‍પન મણિકકમે X પર પોસ્‍ટ કરી. આ વાત તમને હસાવશે, પરંતુ તેની પાછળનું સત્‍ય ચોંકાવનારુું છે

નવી દિલ્‍હી તા.૧૭: હળવો તાવ હોય, માથાનો દુખાવો હોય કે શરીરમાં દુખાવો હોય, રાહત મેળવવા માટે ડોલો-૬૫૦નો ઉપયોગ ભારતમાં ખૂબ જ સામાન્‍ય બની ગયો છે. આ નામ બાળકોથી લઈને વળદ્ધો સુધી, દરેકના હોઠ પર છે. આ ગોળીનો ઉપયોગ ઘરોમાં એટલો બધો થઈ રહ્યો છે કે હવે એક અભણ વ્‍યક્‍તિ પણ તેને જોઈને ઓળખી શકે છે.

સરળ શબ્‍દોમાં કહીએ તો, આ નાની સફેદ ગોળી દરેક રોગ માટે તાત્‍કાલિક રાહત બની ગઈ છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે તેનો આટલો બધો ઉપયોગ સુરક્ષિત છે કે નહીં? તેના ગેરફાયદા શું છે? એક ડૉક્‍ટરની પોસ્‍ટે આવા ઘણા મહત્‍વપૂર્ણ પ્રશ્‍નો ઉભા કર્યા છે.

ભારતીયો ડોલો-૬૫૦ ને કેડબરી જેમ્‍સની જેમ લે છે, યુએસ સ્‍થિત ગેસ્‍ટ્રોએન્‍ટેરોલોજિસ્‍ટ ડૉ. પલાનીઅપ્‍પન મણિકકમ (ડો. પાલ) એ X પર પોસ્‍ટ કરી. આ વાત તમને હસાવશે, પરંતુ તેની પાછળનું સત્‍ય ચોંકાવનારું છે. હવે ડોલોના આ પ્રકારના આડેધડ ઉપયોગથી ડોકટરો પણ ચિંતિત છે.

ડોલો ૬૫૦ શું છે?

ડોલો-૬૫૦ માં ૬૫૦ મિલિગ્રામ પેરાસીટામોલ હોય છે, જે ૫૦૦ મિલિગ્રામની સામાન્‍ય માત્રા કરતા ઘણું વધારે છે. આ દવા માઇક્રો લેબ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે અને કોરોના મહામારી દરમિયાન તેની માંગ અચાનક વધી ગઈ. તેનો ઉપયોગ રસીની આડઅસરો અથવા હળવા તાવ માટે વ્‍યાપકપણે થતો હતો.

એક અહેવાલ મુજબ, કોરોના મહામારીના બીજા મોજા દરમિયાન ડોલો-૬૫૦નું વેચાણ રેકોર્ડ સ્‍તરે પહોંચ્‍યું હતું. જે પછી સોશિયલ મીડિયા પર તેને ભારતનો પ્રિય નાસ્‍તો કહેવામાં આવવા લાગ્‍યો. હવે અમેરિકામાં રહેતા એક ડૉક્‍ટરે ફરી એકવાર આપણને એ જ વાત યાદ અપાવી છે.

ડોલો ૬૫૦ કેટલું ખતરનાક છે?

ડોક્‍ટરો કહે છે કે લોકો હવે ડોલો-૬૫૦ નો ઉપયોગ કેન્‍ડીની જેમ કરી રહ્યા છે. માથાનો દુખાવો, થાક કે તણાવ માટે પણ તે ડોકટરની સલાહ વગર લેવામાં આવી રહ્યું છે. પરંતુ પેરાસીટામોલની વધુ પડતી માત્રા શરીર પર, ખાસ કરીને લીવર પર ખરાબ અસર કરી શકે છે. એક મેડિકલ રિપોર્ટ અનુસાર, પેરાસિટામોલના ઓવરડોઝને કારણે સમગ્ર વિશ્વમાં તીવ્ર લીવર ફેલ્‍યોર અને કિડની રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે.

નિષ્‍ણાતની સલાહ જરૂરી છે

ડોક્‍ટરની સલાહ લીધા વિના વારંવાર ડોલો-૬૫૦ લેવાથી શરીર માટે જોખમી બની શકે છે. તે ફક્‍ત લક્ષણોને દબાવી દે છે, તે રોગનો ઇલાજ કરતું નથી. તેથી, કોઈપણ દવા લેતા પહેલા, ચોક્કસપણે નિષ્‍ણાતની સલાહ લો.(૩૮.૧૭)

(11:19 AM IST)