<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

વક્ફ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : સુપ્રિમ કોર્ટે નવા વકફ કાયદા પર સ્ટે આપવાનું ટાળ્યું, : પરંતુ નવી નિમણૂકો અટકાવવા અને વર્તમાન વકફ મિલકતની સ્થિતિ જાળવવા માટે કેન્દ્રને આપ્યો આદેશ : અરજીઓનો જવાબ આપવા માટે કેન્દ્રને 7 દિવસનો સમય

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે જ્યાં સુધી કોર્ટ આ મામલે અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી વક્ફ કાઉન્સિલમાં કોઈ નિમણૂક નહીં થાય : સુપ્રીમ કોર્ટે વક્ફ સંપત્તિઓને ડિ-નોટિફાઇ કરવાની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપ્યો : કેન્દ્રને જવાબ માટે સાત દિવસનો સમય

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા નવા વક્ફ એક્ટમાં સુધારાની તરફેણ અને વિરુદ્ધમાં દાખલ અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. આજે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો, જેને કોર્ટે મંજૂર રાખ્યો છે.

ગત ૧૬મી એપ્રિલે કોર્ટે સંકેત આપ્યા હતા કે જ્યાં સુધી કોર્ટ પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી જિલ્લા કલેક્ટર દ્વારા વક્ફ સંપત્તિઓને ઉપયોગ અથવા દસ્તાવેજના આધારે ડિ-નોટિફાઇ કરવાની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂકવા પર વિચાર કરી શકે છે. વક્ફ સુધારા અધિનિયમ રાજ્યના એક નિયુક્ત અધિકારી, જે કલેક્ટર પણ હોઈ શકે છે, તેમને એ નક્કી કરવાની સત્તા આપે છે કે વક્ફ બોર્ડ (ઇસ્લામિક કાયદા હેઠળ તમામ ધાર્મિક એન્ડોમેન્ટ માટેની વ્યવસ્થાપક સત્તા) પાસે તેની માલિકીની સંપત્તિઓ પર કાયદેસરનો દાવો છે કે કેમ.

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ કે. વી. વિશ્વનાથન અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે કલેક્ટર કાર્યવાહી ચાલુ રાખી શકે છે, પરંતુ અધિનિયમની જોગવાઈઓ પર અમલ કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત, બેન્ચ એ સુધારા સામેના વિરોધ પર પણ વિચાર કરશે જે બિન-મુસ્લિમોને વક્ફ બોર્ડનો ભાગ બનવાની મંજૂરી આપે છે.

આજે સુનાવણી ફરી શરૂ થતાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કોર્ટ આ મામલે અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી વક્ફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂક કરવામાં આવશે નહીં. આ સાથે, કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે પોતાનો પ્રાથમિક જવાબ અને સંબંધિત દસ્તાવેજો સાત દિવસમાં રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે વક્ફ એક્ટમાં કેટલીક સકારાત્મક જોગવાઈઓ પણ છે, તેથી કાયદા પર સંપૂર્ણ સ્ટે યોગ્ય નથી. કોર્ટે તમામ વક્ફ સંપત્તિઓની વર્તમાન સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે, પછી ભલે તે કોઈપણ રીતે વર્ગીકૃત કરવામાં આવી હોય.

 

(2:40 PM IST)