<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ભારતીય નિકાસમાં સ્માર્ટફોનનો દબદબો : 2025માં રેકોર્ડ વધારો : ડીઝલને પણ પાછળ છોડ્યું

નાણાકીય વર્ષ 2025માં એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન 18.31 અબજ ડોલરના સ્માર્ટફોનની નિકાસ : અમેરિકામાં માંગ વધતા નિકાસમાં 54.7 ટકાનો જંગી ઉછાળો

 

 

નવી દિલ્હી: ભારતીય નિકાસ ક્ષેત્રે સ્માર્ટફોને એક નવો ઇતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2025માં એપ્રિલથી જાન્યુઆરી મહિના દરમિયાન હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ (HS) કોડ્સ આધારિત નિકાસ કરવામાં આવેલી ચીજવસ્તુઓમાં સ્માર્ટફોન પ્રથમ વખત સૌથી વધુ નિકાસ થનાર ઉત્પાદન તરીકે ઉભરી આવ્યા છે. વાણિજ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડાઓ અનુસાર, વિશ્વભરમાં ડ્યુટી વોરની અસ્થિર પરિસ્થિતિ વચ્ચે પણ ભારતે આ સમયગાળા દરમિયાન 18.31 અબજ ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી છે, જેણે 16.04 અબજ ડોલરની ડીઝલ ઇંધણની નિકાસને પણ પાછળ છોડી દીધી છે.

નાણાકીય વર્ષ 2024ના સમાન સમયગાળા દરમિયાન સ્માર્ટફોન HS કેટેગરીની ચીજવસ્તુઓની નિકાસમાં વાહનોના ડીઝલ ઇંધણ, વિમાન ઇંધણ અને હીરા પછી ચોથા ક્રમે હતા. જો કે, નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-જાન્યુઆરીમાં સ્માર્ટફોનની નિકાસમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે, જેના કારણે તેઓ ટોચ પર પહોંચી ગયા છે. આ સમયગાળા દરમિયાન સ્માર્ટફોનની નિકાસ પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 54.7 ટકા વધીને 11.83 અબજ ડોલર થઈ ગઈ છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ વધારાનું એક કારણ ભારતથી અમેરિકામાં થતી નિકાસમાં વધારો પણ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની ધમકીઓના પગલે આયાતકારોએ ઇન્વેન્ટરી બનાવવા માટે વધુ સ્માર્ટફોનની આયાત કરી હતી. ઉદાહરણ તરીકે, જાન્યુઆરી 2025માં, એપલના આઇફોનની આગેવાની હેઠળ અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં 208 ટકા વધીને 1.63 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. આ હકીકત એ વાત પરથી પણ સ્પષ્ટ થાય છે કે ભારતથી અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન 64 ટકાથી વધુ વધીને 6.6 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.

સ્માર્ટફોનને નિકાસની દ્રષ્ટિએ દેશનું ટોચનું ઉત્પાદન બનવામાં માત્ર 5 વર્ષ લાગ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે પ્રથમ વખત સત્તા સંભાળી ત્યારે 2014 દરમિયાન સ્માર્ટફોન નિકાસની દ્રષ્ટિએ 167મા ક્રમે હતા અને નાણાકીય વર્ષ 2019માં 23મા ક્રમે આવી ગયા હતા. સરકારે સ્માર્ટફોનના ઉત્પાદનને વધારવા માટે 2020માં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી હતી. ત્યારથી તેના ઉત્પાદન અને નિકાસમાં જબરદસ્ત વધારો થયો છે. સ્માર્ટફોન નાણાકીય વર્ષ 22માં નિકાસની દ્રષ્ટિએ 9મા ક્રમે હતા. બે વર્ષ પછી, નાણાકીય વર્ષ 24માં, તેની નિકાસ ત્રણ ગણી વધીને 15.6 અબજ ડોલર થઈ ગઈ અને તે ચોથું સૌથી વધુ નિકાસ થનાર ઉત્પાદન બન્યું. ડિસેમ્બર 2024 સુધીમાં સ્માર્ટફોન બીજું સૌથી મોટું બજાર હશે.

 

(3:15 PM IST)