<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

આઘાતજનક ઘટસ્ફોટ : પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયાનો ચોંકાવનારો દાવો - કેટલાક ક્રિકેટરોએ બિભત્સ ફોટા મોકલ્યા : એકે તો સૂવાની પણ ઈચ્છા વ્યક્ત કરી!

લંડનથી પોતાના લિંગ પરિવર્તનની કહાણી વર્ણવતા અનાયાએ ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું : જાતીય સતામણી અને પરેશાનીના ગંભીર આરોપો લગાવ્યા

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર, જેણે હોર્મોનલ સમસ્યાઓના કારણે થોડા સમય પહેલાં પોતાનું લિંગ પરિવર્તન કરાવીને છોકરી (અનાયા બાંગર) બની છે, તેણે એક ઇન્ટરવ્યુમાં સનસનાટીભર્યો દાવો કર્યો છે. હાલમાં ઇંગ્લેન્ડમાં રહેતી અનાયાએ જણાવ્યું હતું કે કેટલાક ક્રિકેટરોએ તેને તેમના ન્યૂડ ફોટા મોકલ્યા હતા અને એક પૂર્વ ક્રિકેટરે તો તેની સાથે સૂવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

એક મુલાકાતમાં જ્યારે અનાયાને પૂછવામાં આવ્યું કે તેને ક્યારે લાગ્યું કે તેણે ખોટું લિંગ પસંદ કર્યું છે, તો તેના જવાબમાં અનાયાએ કહ્યું, “જ્યારે હું આઠ-નવ વર્ષની હતી ત્યારે હું મારી માતાના કબાટમાંથી કપડાં ચોરીને પહેરતી હતી. પછી હું અરીસામાં જોઈને કહેતી હતી કે હું છોકરી છું અને મારે છોકરી બનવું છે. મેં મુશીર ખાન, સરફરાઝ ખાન, યશસ્વી જાયસ્વાલ જેવા કેટલાક જાણીતા ક્રિકેટરો સાથે રમી છું. મારે મારા વિશે ગુપ્તતા જાળવવી પડી કારણ કે મારા પિતા ક્રિકેટર હતા.”

અનાયાએ વધુમાં જણાવ્યું હતું કે, “છોકરી બન્યા પછી મને સમર્થન પણ મળ્યું અને કેટલીક પરેશાનીઓનો પણ સામનો કરવો પડ્યો છે. કેટલાક ક્રિકેટરો એવા પણ રહ્યા છે જેમણે મને આડેધડ તેમના ગંદા ફોટા મોકલ્યા છે. એક બીજી ઘટના ત્યારે બની જ્યારે હું ભારતમાં હતી, મેં એક જૂના ક્રિકેટરને મારી પરિસ્થિતિ વિશે જણાવ્યું. તેણે મને કહ્યું કે ચાલો કારમાં ફરવા જઈએ, હું તારી સાથે સૂવા માંગુ છું.”

ઉલ્લેખનીય છે કે બાંગરની જેમ અનાયા પણ એક ક્રિકેટર છે. તેણીએ સ્થાનિક ક્લબ ક્રિકેટમાં ઇસ્લામ જિમખાનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. જો કે, નવેમ્બર 2023 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર એથ્લેટ્સને મહિલા ક્રિકેટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેથી અનાયા ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતી જોવા મળે તેવી શક્યતા ઘણી ઓછી છે.

 

(12:48 PM IST)