<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ભારતને ગૌરવની ક્ષણ :શ્રીમદ્ભગવતગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર.યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને અભિનંદન આપ્યા: ; યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશ આપણા જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે

નવી દિલ્હી :યુનેસ્કો દ્વારા શ્રીમદ્ભગવતગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન આપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે આ દુનિયાભરમાં તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે. યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશ આપણા જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. ગીતા અને નાટ્ય શાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદ્રષ્ટિ વિશ્વને પ્રેરણા આપતી રહે છે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે ભારતના વારસા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ કાલજયી કૃતિઓ સાહિત્યિક ખજાનાથી પણ વધુ છે. તે દાર્શનિક અને સૌંદર્યલક્ષી પાયાના પથ્થરો છે જેણે ભારતના વિશ્વ દૃષ્ટિકોણ અને આપણે જે રીતે વિચારીએ છીએ, અનુભવીએ છીએ, જીવીએ છીએ અને પોતાને વ્યક્ત કરીએ છીએ તેને આકાર આપ્યો છે.

મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં દુનિયા માટે ઉપયોગી અને વૈશ્વિક સ્તરના દસ્તાવેજોને સામેલ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ એડવાઈઝરી કમિટીની ભલામણ બાદ કોઈ દસ્તાવેજને તેમાં સ્થાન આપવામાં આવે છે. જેનાથી દસ્તાવેજોના મહત્વને આંકી શકાય છે. સાથે જ દસ્તાવેજોની સુરક્ષા માટે કામ કરવામાં આવે છે. આ સાથે જ કુલ દસ્તાવેજોના સંગ્રહની સંખ્યા 570 થઈ ગઈ છે.

(2:09 PM IST)