<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

કેનેડામાં હિન્દુ મંદિર ફરી ખાલિસ્તાની સમર્થકોના નિશાના પર : બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ

આ પહેલાં કેનેડાના વેંકૂવરમાં રોસ સ્ટ્રીટ ગુરુદ્વારાને પણ ખાલિસ્તાન સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું : કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સખત નિંદા : 'હિન્દુફોબિયા' પર ચિંતા વ્યક્ત

ટોરોન્ટો: કેનેડામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરને ખાલિસ્તાન સમર્થકોએ નિશાન બનાવ્યું છે. કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) દ્વારા આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે અને કેનેડામાં વધી રહેલા 'હિન્દુફોબિયા' અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સે આ ઘટનાને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી તોડફોડ ગણાવી છે અને તેને '#Hinduphobia'નું એક ઘૃણાસ્પદ ઉદાહરણ તરીકે વર્ણવ્યું છે. સંગઠને સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્રકારની નફરત ભરેલી પ્રવૃત્તિઓને કેનેડામાં કોઈ પણ સંજોગોમાં સ્થાન નથી.

CHCC દ્વારા એક સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેનેડાની તમામ સ્તરની સરકારો પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ કેનેડીયન નાગરિકોને આ નફરતની વિચારધારા વિરુદ્ધ એકજુથ થવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેનેડાના વેંકૂવરમાં રોસ સ્ટ્રીટ ગુરુદ્વારાને પણ ખાલિસ્તાન સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. સમર્થકોએ ગુરુદ્વારાની દિવાલો પર ખાલિસ્તાની સૂત્રો લખ્યા હતા, જેના કારણે શીખ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના માટે શીખ અલગતાવાદીઓના એક નાના જૂથને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે શનિવારે ગુરુદ્વારામાં થયેલી તોડફોડની ફરિયાદ મળ્યા બાદ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વેંકૂવર પોલીસના એક અધિકારીએ માહિતી આપી હતી કે પોલીસ હાલમાં ગુરુદ્વારા પર લખાયેલા નારાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. એક જ અઠવાડિયામાં હિન્દુ મંદિર પર બીજી વખત હુમલો થતાં કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેનેડા સરકાર આ ઘટનાઓને કેટલી ગંભીરતાથી લે છે અને દોષિતો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

(8:29 AM IST)