<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ઝારખંડ કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની મુળી રાત્રે ગોળી મારીને હત્યા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ

જમશેદપુર: માનગોના બાલીગુમામાં આજે રવિવારની રાત્રે ક્ષત્રિય કરણી સેનાના ઝારખંડ પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૩૩ પર મિની પંજાબ હોટલ નજીક એક ગલીમાં બની હતી. અજાણ્યા હુમલાખોરોએ તેમના માથામાં ગોળી મારી દેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ, આ ઘટનાથી રોષે ભરાયેલા કરણી સેનાના કાર્યકરોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર,  આજે રવિવારની રાત્રે આશરે ૧૦ વાગ્યે વિનય સિંહ તેમના સહયોગીઓ સાથે બાલીગુમાથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મિની પંજાબ હોટલ નજીકની ગલીમાં કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને ગોળી મારી દીધી હતી. ગોળી સીધી તેમના માથામાં વાગતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. પોલીસ હુમલાખોરોની ઓળખ મેળવવા અને તેમની ધરપકડ કરવા માટે પ્રયાસો કરી રહી છે. જો કે, હજી સુધી હુમલાખોરો વિશે કોઈ નક્કર માહિતી મળી શકી નથી.

વિનય સિંહની હત્યાના સમાચાર ફેલાતા જ કરણી સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે એકઠા થવા લાગ્યા હતા. તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૩૩ પર ચક્કાજામ કરી દેતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પ્રદર્શનકારીઓને શાંત પાડવાની કોશિશ ચાલુ છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(11:22 AM IST)