<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જેનો ડર હતો… એ જ થયું! વાદળી ડ્રમ અને સાપ બાદ સૂટકેસમાં મળ્યો પતિ : પત્નીની કરતૂતથી પોલીસ પણ સ્તબ્ધ

પ્રેમ પ્રકરણમાં અવરોધ બનતા પતિની હત્યા : પત્ની સહિત ચારની અટકાયત

દેવરિયા : ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક યુવકની લાશ ટ્રોલી બેગમાં મળતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું કે પ્રેમ પ્રકરણમાં અવરોધ બનવાના કારણે હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ નૌશાદ તરીકે થઈ છે, જે સાઉદી અરેબિયાથી પરત ફર્યો હતો. પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓએ લાશને ૬૦ કિલોમીટર દૂર ફેંકી દીધી હતી.

તરકુલા પોલીસ સ્ટેશન વિસ્તારના પકડી પટખૌલી ગામના ઘઉંના ખેતરમાંથી ટ્રોલી બેગમાં મળેલી યુવકની લાશની ઓળખ તેના પાસપોર્ટથી થઈ હતી. આ પાસપોર્ટના આધારે જ પોલીસ હત્યાના આરોપીઓ સુધી પહોંચી છે.

પોલીસે હત્યા કેસમાં સંડોવાયેલી એક મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં અવરોધ બનવાના કારણે થઈ છે. હત્યાકાંડ બાદ ગામમાં ભયનો માહોલ છે.

શું છે સમગ્ર મામલો?
મઈલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભટૌલી ગામનો નૌશાદ અલી અહમદનો પુત્ર છેલ્લા ઘણા વર્ષોથી સાઉદી અરેબિયામાં રહેતો હતો. તેણે ગામની બહાર નવું મકાન બનાવ્યું હતું. તેના ઘરે નૌશાદના વૃદ્ધ પિતા અલી અહમદ, પુત્રી અને પત્ની રહે છે. દસ દિવસ પહેલા જ નૌશાદ સાઉદી અરેબિયાથી કમાઈને ઘરે પાછો આવ્યો હતો.

તે પોતાની સાથે બે મોટી ટ્રોલી બેગ લાવ્યો હતો. તેમાંથી એક ટ્રોલી બેગમાં તેનો પાસપોર્ટ પડ્યો હતો. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આરોપીઓએ તે જ બેગમાં યુવકની લાશ મૂકીને મઈલથી લગભગ ૬૦ કિલોમીટર દૂર એક ખેતરમાં ફેંકી દીધી હતી.

પોલીસે ટ્રોલી બેગની તપાસ કરતાં તેમાંથી મૃતકનો પાસપોર્ટ મળી આવ્યો હતો. તે પાસપોર્ટના આધારે સીઓ સિટીના નેતૃત્વમાં પોલીસ ટીમે ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં મૃતકના ઘરની ટ્રોલી બેગમાં લોહીના ડાઘા મળી આવ્યા હતા.

આ સાથે જ ઘરમાંથી કેટલીક અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસે ટ્રોલી બેગની સાથે મૃતકની પત્નીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પોલીસે મહિલાની પૂછપરછ બાદ ગામના જ તેના સંબંધીના ભાણેજના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાં યુવક ફરાર હતો, તેની માતા અને બહેનોની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. પોલીસ ટૂંક સમયમાં હત્યા કેસનો પર્દાફાશ કરશે.

હત્યા સ્થળથી ૬૦ કિલોમીટર દૂર મળી લાશ:
નૌશાદની હત્યા તેના ગામમાં જ થઈ હતી. જ્યાંથી હત્યા કરનારા લોકોએ લાશને ગામથી લગભગ ૬૦ કિલોમીટર દૂર તરકુલા પોલીસ સ્ટેશન વિસ્તારના પકડી પટખૌલી ગામમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ યુવકના સંબંધીને ત્યાં જવાની વાત મૃતકના પિતાને જણાવી હતી.

પોલીસે રોડના સીસીટીવી કેમેરા તપાસ્યા:
તરકુલા પોલીસે પટખૌલી ગામમાંથી પસાર થતા રોડ પર આવવા અને જવાના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેથી ગાડી વિશે માહિતી મળતા લાશ વિશે જાણકારી મળી શકે. પોલીસને સીસીટીવી કેમેરાથી કોઈ ખાસ સફળતા મળી નથી. આ સાથે મઈલના ભટૌલી ગામના રસ્તામાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે.

 

(10:51 AM IST)