<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

રામબનમાં તબાહીના ૨૪ કલાક... દરેક જગ્‍યાએ વિનાશના દ્રશ્‍યોઃ ૫ લોકોના મોત

જમ્‍મુ અને કાશ્‍મીરના રામબનમાં વાદળ ફાટયા બાદ ભારતીય સેનાએ રાહત કામગીરી શરૂ કરી છે. NH-૪૪ પર ફસાયેલા મુસાફરોને ખોરાક, આશ્રય અને તબીબી સહાય પૂરી પાડવા માટે QRTs તૈનાત કરવામાં આવે છે. આઠ સૈન્‍ય ટુકડીઓ સ્‍ટેન્‍ડબાય પર છે અને સ્‍થળાંતર કામગીરી ચાલી રહી છે વાદળ ફાટવા અને ભૂસ્‍ખલનને કારણે ૨૫૦ કિલોમીટર લાંબા જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્‍યવહાર ખોરવાઈ ગયોઃ રામબનમાં બધી શાળાઓ અને કોલેજો બંધ

શ્રીનગર તા.૨૧: રવિવારે સવારે જમ્‍મુ અને કાશ્‍મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાના કારણે ભારે વરસાદ પડ્‍યો, જેના કારણે અચાનક પૂર અને ભૂસ્‍ખલનની ઘટનાઓ બની. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્‍યારે ઘણા ઘરો, દુકાનો અને રસ્‍તાઓને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ૧૦૦ થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્‍યા છે.

વાદળ ફાટવા અને ભૂસ્‍ખલનને કારણે ૨૫૦ કિલોમીટર લાંબા જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્‍યવહાર ખોરવાઈ ગયો હતો. આ રસ્‍તો કાશ્‍મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતો એકમાત્ર બારમાસી રસ્‍તો છે. ટેકરીઓ પરથી પડતા કાટમાળને કારણે નશરી અને બનિહાલ વચ્‍ચે લગભગ એક ડઝન સ્‍થળોએ રસ્‍તો બ્‍લોક થઈ ગયો હતો, જેના કારણે સેંકડો વાહનો ફસાયા હતા.

જમ્‍મુ અને કાશ્‍મીરના રામબનમાં વાદળ ફાટયા બાદ ભારતીય સેનાએ રાહત કામગીરી શરૂ કરી છે. NH-૪૪ પર ફસાયેલા મુસાફરોને ખોરાક, આશ્રય અને તબીબી સહાય પૂરી પાડવા માટે QRTs તૈનાત કરવામાં આવે છે. આઠ સૈન્‍ય ટુકડીઓ સ્‍ટેન્‍ડબાય પર છે અને સ્‍થળાંતર કામગીરી ચાલી રહી છે. શરૂઆતના અંદાજ મુજબ, રસ્‍તાઓ પરથી કાટમાળ સાફ કરવામાં અને ટ્રાફિક પુનઃસ્‍થાપિત કરવામાં ૪૮ કલાક જેટલો સમય લાગી શકે છે.

સિરી બાગના ગામમાં વાદળ ફાટવાની ઘટનામાં આકિબ અહેમદ (૧૨), તેનો ભાઈ મોહમ્‍મદ સાકિબ (૧૦) અને તેમના પાડોશી મુની રામ (૬૫)નું મળત્‍યુ થયું. ગામના રહેવાસી શ્રી હાફિઝે કહ્યું, સવારે ૪:૩૦ વાગ્‍યે, વાદળ ફાટવાનો જોરદાર અવાજ સંભળાયો, અને તરત જ ચીસો અને બૂમો પડી. તેમણે કહ્યું, અમે બંને ભાઈઓને કાટમાળમાંથી બહાર કાઢયા, પણ ત્‍યાં સુધીમાં તેઓ મળત્‍યુ પામ્‍યા હતા.

અવિરત વરસાદને કારણે ધરમકુંડ ગામમાં પૂર આવ્‍યું, જેના કારણે લગભગ ૪૦ ઘરોને નુકસાન થયું. જેમાંથી ૧૦ ઘર સંપૂર્ણપણે નાશ પામ્‍યા હતા. પોલીસે ૧૦૦ થી વધુ ફસાયેલા ગ્રામજનોને બચાવ્‍યા. તેમને એક સરકારી માધ્‍યમિક શાળામાં આશ્રય આપવામાં આવ્‍યો છે, જ્‍યાં વહીવટીતંત્ર દ્વારા રાશન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

શનિવારે મોડી રાત્રે રિયાસી જિલ્લાના અર્નાસ વિસ્‍તારમાં વીજળી પડતાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. આમ, બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે. એક સરકારી અધિકારીએ જણાવ્‍યું હતું કે રામબન જિલ્લામાં ભારે વરસાદ, ભારે પવન, કરા અને ભૂસ્‍ખલનને કારણે ભારે નુકસાન થયું છે.

નાયબ મુખ્‍યમંત્રી સુરિન્‍દર ચૌધરીએ, જેઓ નેશનલ કોન્‍ફરન્‍સના ધારાસભ્‍યો અર્જુન સિંહ રાજુ (રામબન) અને સજાદ શાહીન (બનિહાલ) સાથે અસરગ્રસ્‍ત વિસ્‍તારોના પ્રવાસ પર હતા, તેમણે કહ્યું, પરિસ્‍થિતિ ખૂબ જ ગંભીર છે... હું પાછા ફર્યા પછી મુખ્‍યમંત્રીને સંપૂર્ણ રિપોર્ટ સુપરત કરીશ. જમ્‍મુ અને કાશ્‍મીરના લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લાએ આ દુર્ઘટનામાં મળત્‍યુ પામેલા લોકો પ્રત્‍યે શોક વ્‍યક્‍ત કર્યો અને કહ્યું કે અસરગ્રસ્‍ત પરિવારોને શકય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

રામબનના ડેપ્‍યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરીએ જણાવ્‍યું હતું કે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને તમામ સરકારી એજન્‍સીઓ, પોલીસ, SDRF, સેના, NGO અને સ્‍થાનિક સ્‍વયંસેવકો રાહત કાર્યમાં રોકાયેલા છે.

તેમણે કહ્યું કે ૨૧ એપ્રિલે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને ટેકનિકલ શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ રહેશે. કાશ્‍મીર ખીણમાં ભારે વરસાદને ધ્‍યાનમાં રાખીને, સોમવારે તમામ શાળાઓ બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્‍યા છે. શિક્ષણ મંત્રી સકીના ઇટ્ટુએ ટ્‍વિટર પર પોસ્‍ટ કર્યું, વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારીને ધ્‍યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

(11:02 AM IST)