તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
દિલ્હી MCD ચૂંટણીમાં AAPનો મોટો નિર્ણય : મેયરની ચૂંટણી નહીં લડે : ભાજપને ટ્રિપલ એન્જિન સરકાર બનાવવા ખુલ્લો માર્ગ
આતિશી અને સૌરભ ભારદ્વાજે ભાજપ પર ષડયંત્રના આરોપો લગાવ્યા, કહ્યું- ભાજપ હારેલી ચૂંટણીઓમાં પણ ખરીદ-ફરોત દ્વારા સત્તા મેળવે છે, હવે દિલ્હીના વચનો પૂરા કરવાની જવાબદારી ભાજપની

નવી દિલ્હી, તા.: આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ન લડવાનો આશ્ચર્યજનક નિર્ણય જાહેર કરીને ભાજપ માટે ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાનો માર્ગ મોકળો કરી દીધો છે. 25 એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં AAPની ગેરહાજરીથી ભાજપને બહુમતનો લાભ મળવાની સંભાવના છે. AAPના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી તેમજ દિલ્હી AAP સંયોજક સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયની જાહેરાત કરી અને ભાજપ પર ષડયંત્રો રચી સત્તા હડપવાના ગંભીર આરોપો લગાવ્યા.
આતિશીએ જણાવ્યું કે ભાજપ જ્યાં ચૂંટણી હારે છે, ત્યાં અન્ય પક્ષોના કાઉન્સિલરોને ખરીદી અથવા ધમકાવીને સરકાર રચે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે MCDમાં રિ-યુનિફિકેશન દ્વારા વોર્ડની સંખ્યા 272થી ઘટાડી 250 કરી, ચૂંટણીમાં વિલંબ કર્યો અને ડિ-લિમિટેશનનો ખોટો ઉપયોગ કર્યો. આતિશીએ ગુજરાત, ગોવા અને કર્ણાટકના ઉદાહરણો આપીને દાવો કર્યો કે ભાજપ આવા ષડયંત્રો દ્વારા રાજકારણ કરે છે, જેમાં AAP ભાગ લેવા ઇચ્છતી નથી. તેમણે કહ્યું, “અમે આવું રાજકારણ રમવા માગતા નથી. ભાજપ પાસે MCDમાં બહુમત છે, અને હવે તેમની પાસે દિલ્હીમાં ટ્રિપલ એન્જિન સરકાર ચલાવવાની તક છે. તેઓએ દિલ્હીના લોકોને આપેલા વચનો, જેમ કે સાફ-સફાઈ, વીજ-પાણીનો પુરવઠો, શાળા-હોસ્પિટલ અને સુરક્ષા વ્યવસ્થા, હવે પૂરા કરવા પડશે.”
સૌરભ ભારદ્વાજે ભાજપ પર વધુ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે ભાજપ AAPના કાઉન્સિલરોને ડરાવી-ધમકાવી અથવા લાલચ આપીને પોતાની તરફ ખેંચે છે. તેમણે જણાવ્યું, “અમે નિર્ણય લીધો છે કે આ વખતે મેયરની ચૂંટણી નહીં લડીએ. ભાજપ પોતાનો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી બનાવે. તેમની પાસે કેન્દ્ર, રાજ્ય અને હવે MCDની સરકાર ચલાવવાની તક છે. આ ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર તેમનું ચોથું એન્જિન છે. હવે ભાજપે બહાનાં બાજુએ મૂકીને દિલ્હીના લોકોને પોતાની ક્ષમતા બતાવવી પડશે.”
આતિશીએ ચૂંટણી ન લડવાનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું કે જો AAP આ ચૂંટણી જીતે, તો ભાજપ પોતાની નિષ્ફળતાઓનો દોષ AAP પર નાખશે. તેમણે ઉદાહરણ આપ્યું કે ભાજપના પર્યાવરણ મંત્રીએ પ્રદૂષણ માટે AAPની MCD સરકારને જવાબદાર ઠેરવીને કચરો બાળવાનો આરોપ લગાવ્યો હતો. આવી રાજકીય રમતોમાં ભાગ ન લેવા માટે AAPએ ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો અને ભાજપને દિલ્હીની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું.
આ નિર્ણયથી દિલ્હીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. રાજનીતિના નિષ્ણાતોનું માનવું છે કે AAPનો આ નિર્ણય દિલ્હી વિધાનસભામાં મળેલી હાર અને MCDમાં પરાજયના ભયને કારણે લેવાયો હોઈ શકે. જોકે, AAPના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો ઉદ્દેશ રાજકીય ષડયંત્રોને ટાળીને દિલ્હીના લોકોના હિતમાં કામ કરવાનો છે.
ભાજપે હજુ સુધી આ નિર્ણય પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ નિર્ણય ભાજપ માટે MCDમાં સરકાર રચવાની સુવર્ણ તક બની શકે છે. હવે દિલ્હીના લોકોની નજર ભાજપ પર રહેશે, કે તેઓ આ તકનો લાભ લઈને દિલ્હીના વિકાસ અને સુશાસનના વચનો કેવી રીતે પૂરા કરે છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
