<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

એલોન મસ્કની માતાએ ભારતમાં ઉજવ્યો 77મો જન્મદિવસ : પુત્રએ ફૂલો મોકલીને પાઠવી શુભેચ્છા : માતાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો પ્રેમ

77 વર્ષની વયે પણ મોડેલિંગ કરતી મેય મસ્કે મુંબઈમાં ઉજવ્યો જન્મદિવસ : એલોન મસ્કે માતાને પાઠવી લાગણીસભર શુભેચ્છા

મુંબઈ : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્કની માતા મેય મસ્કે પોતાનો 77મો જન્મદિવસ ભારતમાં ઉજવ્યો. આ પ્રસંગે એલોન મસ્કે પોતાની માતાને ફૂલો મોકલીને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે, 77 વર્ષની મેય મસ્ક વ્યવસાયે મોડેલ છે.

મેય મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટ કરી અને સાથે પોતાની એક તસવીર પણ શેર કરી. આ તસવીરમાં મેય મસ્ક ફૂલો સાથે જોવા મળી રહી છે, જે તેમને તેમના પુત્ર એલોન મસ્કે મોકલ્યા હતા. ફોટો પોસ્ટ કરતાં મેય મસ્કે લખ્યું કે, "એલોન મસ્ક, મુંબઈમાં મારા જન્મદિવસ પર ફૂલો મોકલવા બદલ આભાર. પ્રેમ, એમ. #77 વર્ષની હોવું ખૂબ સારું છે." મેય મસ્કની આ પોસ્ટ દ્વારા એલોન મસ્ક પ્રત્યેનો તેમનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળે છે.

મેય મસ્કની પોસ્ટનો જવાબ આપતાં એલોન મસ્કે પોતાની માતાનો આભાર માન્યો હતો. પોતાની પોસ્ટમાં એલોન મસ્કે લખ્યું કે, "મા, હું તમને પ્રેમ કરું છું. દરેક વસ્તુ માટે આભાર."

ઉલ્લેખનીય છે કે, મેય મસ્ક આ ઉંમરે પણ મોડેલિંગ કરે છે. તેઓ ખૂબ જ સુંદર છે અને ફેશન ઉદ્યોગમાં તેમની ખૂબ માંગ રહે છે. મેય મસ્કે 15 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું હતું. આ સાથે જ મેય મસ્ક એક મોટિવેશનલ સ્પીકર તરીકે પણ વ્યાખ્યાનો આપે છે. મેય મસ્કનો તેમના પતિ એરોલ સાથે છૂટાછેડા થઈ ગયા છે.

 

(2:16 PM IST)