<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

કોઇ પોસ્‍ટને લાઇક કરવી આઇ ટી એકટ હેઠળ ગુન્‍હો નથી

અલ્‍હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

પ્રયાગરાજઃ અલ્‍હાબાદ હાઇકોર્ટે એક મહત્‍વપુર્ણ ચુકાદામાં કહયું છે કે સોશ્‍યલ મીડીયા પર ઉશ્‍કેરણી જનક પોસ્‍ટને લાઇક કરવી એ ફોજોદારી ગુનો નથી, કારણ કે તે આઇટી અધીનીયમની કલમ ૬૭ હેઠળ દંડનીય જોગવાઇઓને પાત્ર નથી. આઇ ટી એકટ હેઠળ આવી સામગ્રી પોસ્‍ટ કરવી કે શેર કરવી કે ફોરવર્ડ કરવી તે ગુના માટે લાયક ઠરે છે. જસ્‍ટીસ સૌરભ શ્રીવાસ્‍તવે આગ્રાના રહેવાસી ઇમરાનખાન સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરતા આ અવલોકન કર્યુ હતું. ચૌધરીના આઇડી પરથી ફેસબુક પોસ્‍ટને કથિત રીતે લાઇક કરવા બદલ તેની સામે આઇ ટી એકટ હેઠળ કેસ કરવામાં આવ્‍યો હતો.

હાઇકોર્ટે કહયું હતું કોઇ સામગ્રી પોસ્‍ટ કરવામાં આવે ત્‍યારે પ્રકાશીત થાય છે અને જયારે તેને શેર કરવામાં આવે ત્‍યારે પ્રસારીત થાય છે. લાઇકનો અર્થ આ બંને માંથી એક પણ નથી.

ફરહાન ઉસ્‍માન જેણે લોકોને વિરોધ કરવા અને રાષ્‍ટ્રપતીને મેમોરેંડમ સબમીટ કરવા આગ્રા કલેકટર કચેરી ખાતે એકઠા થવા વિનંતી કરી હતી. ઇમરાનખાને આ પોસ્‍ટને લાઇક કરતા મંટોલા પોલીસ સ્‍ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્‍યા પછી આગ્રા પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી અને ટ્રાયલ કોર્ટે ઇમરાનખાનને આરોપી તરીકે સમન્‍સ પાઠવ્‍યું હતું. તેની સામે ખાને હાઇકોર્ટમાં અરજી કરી હતી અને તેના વકીલ દ્વારા દલીલ કરી હતી કે તેણે તેના ફેસબુક એકાઉન્‍ટ પર કંઇ પણ વાંધાજનક શેર નથી કર્યુ કે પોસ્‍ટ નથી કર્યુ.લાઇક અને શેરીંગ એ બંને અલગ અલગ પ્રક્રીયાઓ છે એવું જણાવીને કોર્ટે કહયું કે માત્ર શેરીંગને જ પ્રકાશન ગણી શકાય એટલે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટ સમક્ષની ઇમરાનખાન સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી હતી.

(4:24 PM IST)