<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

રૂ. ૧૨ લાખની કિંમતની સ્પોર્ટ્સ બાઇક અને રૂ. 70 હજારની કિંમતના હાઇટેક હેલ્મેટના ચૂરેચુરા, પ્રખ્યાત બિલ્ડરના 23 વર્ષીય પુત્રનું હાઇવે પર મોત

સિદ્ધેશ તેની સ્પોર્ટ્સ બાઇક પર કોલ્હાપુર પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુ:ખદ અકસ્માત અઝારા-અંબોલી હાઇવે પર દેવરડે માડલ ટિટ્ટા વિસ્તારમાં બન્યો: સિદ્ધેશના હેલ્મેટમાં કેમેરા લગાવેલો હતો. આશા છે કે રેકોર્ડ કરેલા ફૂટેજ પરથી ઘટનાનું સાચું કારણ બહાર આવી શકશે

 રવિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરના રસ્તાઓ પર એક એવું  કરું દશ્ય જોવા મળ્યો જેણે એક પરિવારની દુનિયા બરબાદ કરી દીધી.
બાઇકિંગનો શોખ ધરાવતા ૨૩ વર્ષીય સિદ્ધેશ રેડેકરે કદાચ ક્યારેય વિચાર્યું ન હતું કે આ તેની છેલ્લી રાઇડ હશે. કોલ્હાપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે, જ્યાં શહેરના પ્રખ્યાત બિલ્ડર વિલાસ રેડેકરના ૨૩ વર્ષીય પુત્ર સિદ્ધેશ રેડેકરનું એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

સિદ્ધેશ તેની સ્પોર્ટ્સ બાઇક પર કોલ્હાપુર પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુ:ખદ અકસ્માત અઝારા-અંબોલી હાઇવે પર દેવરડે માડલ ટિટ્ટા વિસ્તારમાં બન્યો હતો. સામેથી ખૂબ જ ઝડપે આવતી એક ટવેરા કારે તેમની બાઇકને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ૧૨ લાખ રૂપિયાની મોંઘી બાઇક ચકનાચૂર થઈ ગઈ અને સિદ્ધેશનું ૭૦ હજાર રૂપિયાનું હાઇટેક હેલ્મેટ પણ સંપૂર્ણપણે તૂટી ગયું.

કોલ્હાપુરના ટકલા વિસ્તારની માલી કોલોનીનો રહેવાસી સિદ્ધેશ આર્કિટેક્ચરનો વિદ્યાર્થી હતો. તેમને ખાસ કરીને બાઇકિંગ અને ફોટોગ્રાફીનો શોખ હતો. રવિવારે, તે તેના ચાર મિત્રો સાથે આંબોલી ઘાટ પર રાઈડ પર ગયો હતો. પણ પાછા ફરતી વખતે, એક ખતરનાક વળાંક પર, જીવનના બ્રેક નિષ્ફળ ગયા.  ટક્કર બાદ સિદ્ધેશને માથા, છાતી અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. મિત્રોએ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ સિદ્ધેશને મૃત જાહેર કર્યો. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. અકસ્માતના સમાચાર મળતા જ રેડેકર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. હોસ્પિટલ અને ઘરમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ, દરેક આંખ ભીની હતી અને દરેક ચહેરો સ્તબ્ધ હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે સિદ્ધેશના હેલ્મેટમાં કેમેરા લગાવેલો હતો. આશા છે કે રેકોર્ડ કરેલા ફૂટેજ પરથી ઘટનાનું સાચું કારણ બહાર આવી શકશે.

 

(3:35 PM IST)