<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

કેમેરા નહીં, સ્ટાર નહીં… મંદિરના પૂજારીએ બનાવી વિશ્વની પ્રથમ AI કન્નડ ફિલ્મ

કર્ણાટકના સિદ્દેહલ્લી ગામના પૂજારી નરસિંહ મૂર્તિએ AI ટૂલ્સની મદદથી વિશ્વની પ્રથમ સંપૂર્ણપણે AIથી બનેલી કન્નડ ફિલ્મ બનાવી : ફિલ્મને CBFCની મંજૂરી મળી

હુબલી : કર્ણાટકના એક પૂજારીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સની મદદથી વિશ્વની પ્રથમ સંપૂર્ણપણે AIથી બનેલી કન્નડ ફિલ્મ તૈયાર કરી છે. બેંગલુરુના સિદ્દેહલ્લી ગામના હનુમંતરાય મંદિરમાં પૂજા કરતા નરસિંહ મૂર્તિ હવે એક નવી ઓળખ બનાવી રહ્યા છે. તેઓ દિવસે પૂજારી છે, પરંતુ તેમનું સાચું પેશન ફિલ્મો છે. તેમણે અગાઉ બે ફીચર ફિલ્મો બનાવી હતી, પરંતુ આ વખતે તેમણે કંઈક અલગ કરી બતાવ્યું છે. મૂર્તિએ દાવો કર્યો છે કે તેમણે વિશ્વની પ્રથમ સંપૂર્ણપણે AIથી બનેલી કન્નડ ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની મંજૂરી પણ મળી ગઈ છે.

મીડિયા અહેવાલ અનુસાર, મૂર્તિએ જણાવ્યું હતું કે હું વિશ્વની પ્રથમ AI ફીચર ફિલ્મ બનાવવા અને રિલીઝ કરવા માંગતો હતો. હાલમાં હું તેને માત્ર એક સ્ક્રીન પર બતાવીશ જેથી રેકોર્ડ બને. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં તેમણે પોતે જ પ્રોડ્યુસર અને ડિરેક્ટરની ભૂમિકા ભજવી છે.

આ પ્રોજેક્ટમાં તેમની સાથે માત્ર એક અન્ય વ્યક્તિ હતા, નૂતન, જે અગાઉ ગ્રાફિક ડિઝાઇનર હતા અને હવે AI ટેકનિશિયન બની ગયા છે. ફિલ્મ બનાવવા માટે બંનેએ લગભગ 30 પ્રકારના AI ટૂલ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. તેમની લાઇસન્સિંગ પર લગભગ ₹10 લાખનો ખર્ચ થયો હતો. 95 મિનિટની આ ફિલ્મ 12 ગીતો સાથે તૈયાર થઈ છે, જેમાં માત્ર AI દ્વારા જ પાત્રો અને અવાજો બનાવવામાં આવ્યા છે.

મૂર્તિ માને છે કે ફિલ્મ સંપૂર્ણપણે પરફેક્ટ નથી. તેમણે કહ્યું કે પાત્રોના ચહેરા દરેક સીનમાં થોડા બદલાતા દેખાય છે, ઇમોશનલ એક્સપ્રેશન બનાવવાનું મુશ્કેલ રહ્યું અને લિપ-સિંક પણ બરાબર બેઠું નથી. બીજી તરફ, નૂતનનું કહેવું છે કે જો આજ આ ફિલ્મ બનાવવામાં આવે તો હજાર ગણી વધુ સારી બની શકે છે. AI ટેક્નોલોજી દરરોજ બદલાઈ રહી છે. અમે જે ટૂલ્સનો ઉપયોગ કર્યો તે હવે છ મહિના જૂના થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે હવે આ જોડી બે વધુ AI ફિલ્મો બનાવી રહી છે. એક કેમ્પે ગૌડા પર અને બીજી ઇમ્માડી પુલિકેશી પર. પ્રથમ ફિલ્મ બે મહિનામાં પૂરી થઈ જશે. જોકે ફિલ્મના પાત્રો, તેમના અવાજો અને ચહેરા AIએ બનાવ્યા છે, પરંતુ ડાયલોગ અને ગીતો મૂર્તિએ પોતે લખ્યા છે.

 

(11:00 AM IST)