<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

‘શરબત જિહાદ’ના મામલામાં ફસાયા બાબા રામદેવ : દિલ્હી હાઈકોર્ટની આકરી ફટકાર

હમદર્દ કંપની અને રૂહ અફઝા શરબત વિરુદ્ધ ટિપ્પણીઓ બદલ યોગ ગુરુ બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટનો આકરો ઠપકો : કોર્ટે બાબા રામદેવની ટિપ્પણીઓને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી

 

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવને હમદર્દ કંપની અને તેના લોકપ્રિય ઉત્પાદન રૂહ અફઝા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરવા બદલ આકરી ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું, ‘આ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખે છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’
હકીકતમાં, બાબા રામદેવે તાજેતરમાં દાવો કર્યો હતો કે હમદર્દ કંપની તેના નફાનો ઉપયોગ મસ્જિદો અને મદરેસાઓના નિર્માણ માટે કરી રહી છે. હમદર્દે આ ટિપ્પણીઓને બદનક્ષીકારક ગણાવીને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

મીડિયા અહેવાલ મુજબ, આ કેસમાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હમદર્દ તરફથી હાજર થયા હતા. તેમણે દિલ્હી હાઈકોર્ટને કહ્યું, ‘આ એક ચોંકાવનારો કેસ છે, જે માત્ર રૂહ અફઝાને બદનામ કરવાનો જ નહીં, પરંતુ ‘સાંપ્રદાયિક વિભાજન’નો પણ કેસ છે.’ તેમણે કહ્યું કે રામદેવની ટિપ્પણી નફરત ફેલાવનારા ભાષણ સમાન છે.
રોહતગીએ કહ્યું કે રામદેવે પોતાની ટિપ્પણી દ્વારા હમદર્દ પર ધર્મના આધારે હુમલો કર્યો છે અને તેને ‘શરબત જિહાદ’ કહ્યો છે.

બાબા રામદેવે શું કહ્યું હતું?
બાબા રામદેવે કહ્યું હતું, ‘જો તમે તે શરબત પીશો, તો મદરેસા અને મસ્જિદો બનશે. પરંતુ જો તમે આ (પતંજલિનું ગુલાબ શરબત) પીશો, તો ગુરુકુળ બનશે, આચાર્ય કુલમ્ વિકસિત થશે, પતંજલિ વિશ્વવિદ્યાલયનો વિસ્તાર થશે અને ભારતીય શિક્ષણ બોર્ડ આગળ વધશે.’
બાબા રામદેવે આ સાથે રૂહ અફઝા શરબતને લવ જિહાદના કથિત કાવતરા સાથે પણ જોડી દીધું હતું. તેમણે કહ્યું, ‘જેમ લવ જિહાદ છે, તેવી જ રીતે આ પણ એક પ્રકારનો શરબત જિહાદ છે. આ શરબત જિહાદથી પોતાને બચાવવા માટે આ સંદેશ દરેક સુધી પહોંચવો જોઈએ.’

 

(12:37 PM IST)