તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
મધ્ય પ્રદેશ : દમોહમાં મહાદેવ ઘાટ પુલ પરથી બોલેરો નદીમાં ખાબકતા પાંચ મહિલાઓ સહિત 8ના મોત : ઘણા ઘાયલ
દમોહના નોહટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનવાર માર્ગ પર સિમરી નજીક મહાદેવ ઘાટના પુલ પર બોલેરો બેકાબૂ બની નદીમાં પડી : જબલપુર જિલ્લાના રહેવાસી આઠ લોકોના કરુણ મોત : છ ઘાયલ

નોહટા :મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દમોહના નોહટા પોલીસ સ્ટેશન હેઠળ આવતા બનવાર માર્ગ પર સિમરી નજીક મહાદેવ ઘાટના પુલ પર એક બોલેરો જીપ બેકાબૂ બનીને નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા છે, જે તમામ જબલપુર જિલ્લાના બેલખેડાના રહેવાસી હતા.
મળતી માહિતી મુજબ, મૃતકોમાં પાંચ મહિલાઓ અને એક બાળકીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રશાસનના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ ઘાયલોને દમોહની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બોલેરો આજે સવારે લગભગ 11:00 વાગ્યે બેકાબૂ બનીને નદીમાં પડી હતી. તેમાં સવાર એક ડઝનથી વધુ લોકોમાંથી એક બાળકી સહિત પાંચ મહિલાઓનું મોત થયું છે. આ રીતે આ ઘટનામાં કુલ 8 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષક શ્રુત કીર્તિ સોમવંશીએ જણાવ્યું હતું કે મંગળવારની સવારે જબલપુર જિલ્લાના કટંગી પૌડી ગામ નજીકના રહેવાસી બે બોલેરો ગાડીઓમાં દમોહ જિલ્લાના હિન્ડોરિયા પોલીસ સ્ટેશન હેઠળના ઘાટપિપરિયા ગામ નજીક કોઈ પરિચિતના ઘરેથી કેન્સરની દવા લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે સિમરી પાસે સુનાર નદીના પુલ પર એક બોલેરો બેકાબૂ થતાં નદીમાં પડી ગઈ હતી, જેના કારણે તેમાં સવાર એક ડઝનથી વધુ લોકોમાંથી 8 લોકોના મોત થયા હતા, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.
બાકીના ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર સુધીર કુમાર કોચર અને પોલીસ અધિક્ષક શ્રુત કીર્તિ સોમવંશી સહિત અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય ચાલુ છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
