તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પોર્ટુગલ યાત્રા : લિસ્બનમાં ભવ્ય સ્વાગત : ખાસ યોજાયેલ સ્વાગત - ભોજન સમારોહમાં પોર્ટુગલના ટોચના ઉદ્યોગપતિ - ગુજરાતના એકમાત્ર તેજસભાઈ કક્કડને ખાસ નિમંત્રણ
મિવાન પ્રણવભાઈ કક્કડે રાષ્ટ્રપતિ અને ખાદ્ય મંત્રી નીમુબેન બાંભણિયા સાથે યાદગાર ક્ષણો શેર કરી : જે આ ઐતિહાસિક મુલાકાતનો એક ખાસ ભાગ બની

લિસ્બન : ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં પોર્ટુગલની રાજધાની લિસ્બનની ઐતિહાસિક મુલાકાત લીધી, જે ભારત અને પોર્ટુગલ વચ્ચેના ૫૦ વર્ષના રાજદ્વારી સંબંધોની ઉજવણીનો એક મહત્વપૂર્ણ પ્રસંગ બન્યો. આ મુલાકાત દરમિયાન, લિસ્બનમાં ભારતીય દૂતાવાસ દ્વારા ભારતના રાષ્ટ્રપતિના સન્માનમાં એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિટ્ઝ હોટેલ ખાતે ભારતીય દૂતાવાસની ઉજવણીઃ ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ, લિસ્બનની પ્રતિષ્ઠિત રિટ્ઝ હોટેલ ખાતે ભારતીય દૂતાવાસે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સન્માનમાં એક ખાસ સમારોહનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનું નેતૃત્વ ભારતના રાજદૂત શ્રી પુનીત આર. કુંડલ અને તેમના પત્ની શ્રીમતી અરુંધતી કુંડલ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી પુનીત કુંડલ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪થી લિસ્બનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે.ᅠ
આ સમારોહમાં ચિરંજીવી મિવાન પ્રણવભાઈ કક્કડે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને ખાદ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સાથે યાદગાર ક્ષણો શેર કરી, જે આ ઐતિહાસિક મુલાકાતનો એક ખાસ ભાગ બની.
નેશનલ અજુડા પેલેસ ખાતે પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા ખાસ ઉજવણીઃ પોર્ટુગલના રાષ્ટ્રપતિ, શ્રી માર્સેલો રેબેલો ડી સૌસાએ લિસ્બનના ઐતિહાસિક નેશનલ અજુડા પેલેસ ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સન્માનમાં એક વિશિષ્ટ ઉજવણી અને રાત્રિભોજનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોર્ટુગલના પ્રમુખ અને પોર્ટુગલના જૂજ પ્રભાવશાળી વ્યક્તિઓની હાજરી હતી, જેમાં ભારતીય મૂળના એકમાત્ર આમંત્રિત વ્યક્તિ તરીકે પોર્ટુગલના ટોચના ઉદ્યોગપતિઓ માહેના શ્રી તેજસ કક્કડ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી તેજસભાઈ મૂળ ગુજરાતના રાજકોટના વતની છે અને દાયકાઓથી પોર્ટુગલમાં સ્થાયી થયા છે. લંડન અને રાજકોટના સુવિખ્યાત જલારામ બાપાના મંદિર સાથે જોડાયેલ છે. પોર્ટુગલના ટોચના ઉદ્યોગપતિઓમાં શ્રી તેજસ કક્કડનુંસ્થાન મોખરે છે. ચિરંજીવી નિવાન કક્કડ, શ્રી તેજસભાઈ કક્કડના પૌત્ર થાય છે
આ સમારોહમાં શ્રી તેજસ કક્કડે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પોર્ટુગલના રાષ્ટ્રપતિ શ્રી માર્સેલો રેબેલો ડી સૌસા સાથે ખાસ ક્ષણો વિતાવી, જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીક બની.
ઐતિહાસિક મુલાકાતનું મહત્વ : આ મુલાકાત ભારત અને પોર્ટુગલ વચ્ચેના ૫૦ વર્ષના રાજદ્વારી સંબંધોની ઉજવણીનો એક ભાગ હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની આ મુલાકાત ૨૭ વર્ષ બાદ ભારતના કોઈ રાષ્ટ્રપતિ દ્વારા પોર્ટુગલની પ્રથમ રાજય મુલાકાત હતી, જે બંને દેશો વચ્ચે વેપાર, સંસ્કૃતિ, નવીનીકરણીય ઊર્જા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો માર્ગ મોકળો કરે છે.
ભારતીય સમુદાયનું યોગદાન : ભારતના રાષ્ટ્રપતિએ લિસ્બનમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી અને તેમના યોગદાનને બિરદાવ્યું, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક સેતુને મજબૂત કરે છે. આ મુલાકાતે ભારતની વૈશ્વિક હાજરી અને યુરોપીયન યુનિયન સાથેના તેના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે.
આ ઐતિહાસિક મુલાકાતની યાદગાર ક્ષણોમાં ચિરંજીવી મિવાન કક્કડ અને શ્રી તેજસભાઈ કક્કડની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તેમજ પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથેની તસવીરો અહીં નજરે પડે છે, જે ભારત-પોર્ટુગલના મૈત્રીપૂર્ણ સંબંધોનું જીવંત ચિત્રણ કરે છે.
આ મુલાકાત ભારત અને પોર્ટુગલના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરે છે, જે ભવિષ્યમાં વધુ ગાઢ સહયોગની આશા જગાવે છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
