<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

હાય રે બેકારી...રાજસ્‍થાનમાં ૫૩,૭૪૯ પ્‍યુનની ભરતી માટે આવી ૨૪.૭૬લાખ અરજી; PhD, MBA અને લો ગ્રેજ્‍યુએટો પણ મેદાનમાં

દર એક પોસ્‍ટ માટે ૪૬ ઉમેદવારો મેદાનમાં છે

જયપૂર તા.૨૨: રાજસ્‍થાનમાં ૫૩,૭૪૯ પ્‍યુનોની ભરતી માટે આશરે ૨૪.૭૬ લાખ અરજીઓ આવી છે. આમ દર એક પોસ્‍ટ માટે ૪૬ ઉમેદવારો મેદાનમાં છે. અરજી કરનારાઓમાં ગ્રેજ્‍યુએટ ઉપરાંત PhD (ડોક્‍ટર ઓફ ફિલોસોફી), MBA (માસ્‍ટર ઇન બિઝનેસ મૅનેજમેન્‍ટ) અને લૉ ગ્રેજ્‍યુએટોનો પણ સમાવેશ છે. જે સ્‍ટુડન્‍ટ્‍સ સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છે તેમણે પણ અરજી કરી છે. પ્‍યુનની પોસ્‍ટ માટે ક્‍વોલિફિકેશન માત્ર દસમું ધોરણ પાસ જોઈએ છે.

પ્‍યુન બનવા માટે હાઇલી એજ્‍યુકેટેડ સ્‍ટુડન્‍ટ્‍સ શા માટે તૈયાર થયા છે એ મુદ્દે બોલતાં MA (માસ્‍ટર ઇન આર્ટ્‍સ), BEd (બેચલર ઓફ એજ્‍યુકેશન) અને IT (ઇન્‍ફર્મેશન ટેકનોલોજી)નો કોર્સ પૂરો કરનારા અને ૨૦૧૮થી સિવિલ સર્વિસની પરીક્ષા આપનારા અને હજી સુધી સફળ નહીં થનારા કમલ કિશોરે જણાવ્‍યું હતું કે જીવનમાં કયાંય સફળતા મળી નથી, બેરોજગાર રહેવા કરતાં તો પ્‍યુનની નોકરી સારી છે. MA અને BEd સાથે સાયન્‍સમાં પોસ્‍ટ-ગેજ્‍યુએટ કરનારી તનુજા યાદવે પણ આવો જ જવાબ આપ્‍યો હતો.

પ્‍યુનની અરજી કરવા માટે એટલો ધસારો હતો કે સાઇટ વારંવાર ક્રેશ થઈ જતી હતી. છેલ્લા પાંચ કલાકમાં ૧.૧૧ લાખ અરજીઓ સબમિટ થઈ હતી. આમ દર ૬ સેકન્‍ડે એક અરજી આવી હતી.

સરકારી નોકરી માટે ભારે ધસારો જોવા મળે છે. આ પહેલાં ૨૩૯૯ ફૉરેસ્‍ટ ગાર્ડ પોસ્‍ટ માટે બાવીસ લાખ અરજી આવી હતી. રાજસ્‍થાનમાં ૧૮ લાખ યુવાનો બેરોજગાર હોવાનું સત્તાવાર આંકડા જણાવે છે. જોકે સાચો આંકડો ૩૦થી ૩૫ લાખ જેટલો હોવાનું અનુમાન છે.

રાજ્‍ય સરકાર સામે હવે પરીક્ષા કેવી રીતે લેવી એ સવાલ છે, કારણ કે એક સમયે ૩ લાખ સ્‍ટુડન્‍ટ્‍સની પરીક્ષા લઈ શકાય એવી કેપેસિટી છે. આથી પરીક્ષા શિફ્‌ટમાં લેવામાં આવશે.(૩૮.૩૨)

(3:26 PM IST)